માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીની આ યાત્રામાં રૈયા ચોકડી, કે.કે.વી સર્કલ અને ઉમિયા ચોકડી ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાશે
કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની આવતીકાલે રાજકોટ શહેર અને જિલ્લા ખાતે જન આશિર્વાદ યાત્રા યોજાશે. આજે સવારે તેઓએ ઉંઝા ખાતે માં ઉમિયાના દર્શન કરી યાત્રાનો વિધિવત પ્રારંભ ર્ક્યો છે. તેઓની યાત્રાના ઈન્ચાર્જ તરીકે ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા છે. યાત્રા દરમિયાન આવતીકાલે બપોર સુધી મેયર ડો.પ્રદિપ ડવ પણ તેઓની સાથે રહેશે.
કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા આવતીકાલે બપોરે 1:15 કલાકે પડધરીના સહીંસરડા આવી પહોંચશે. જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બપોરના ભોજન પડધરી ખાતે લેશે ત્યાં મંત્રીનું સન્માન અને સભા યોજાશે. ત્યારબાદ બપોરે 3:30 કલાકે રાજકોટ આવશે. અહીં માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી 150 ફૂટ રીંગ રોડ પર તેઓની જન આશિર્વાદ યાત્રા યોજાશે. જે અંતર્ગત યુવા ભાજપના કાર્યકરો બાઈક રેલી સાથે તેઓની જોડે જોડાશે.
રૈયા ચોકડી ખાતે વોર્ડ નં.1,2 અને 9ના કાર્યકરો દ્વારા કે.કે.વી સર્કલ ખાતે વોર્ડ નં.3,8 અને 10ના કાર્યકરો દ્વારા, ઉમિયા ચોકડી ખાતે વોર્ડ નં.11,12 અને 13ના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવશે.
યાત્રાના રૂટ પર ફૂલોની પાંખડીઓથી તેઓનું સ્વાગત કરવામાં આવશે. દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠશે. તેમજ બાળાઓ દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવશે અને સંતો-મહંતો દ્વારા આશિર્વચન પાઠવવામાં આવશે. કલાકારો પોતાની કલા રજૂ કરશે.
બપોરે 4:15 કલાકે મંત્રી કાળીપાટમાં ગૌરી ગૌશાળાની મુલાકાત લેશે. કસ્તુરબા ધામ ખાતે તેઓનું સન્માન કરવામાં આવશે. કસ્તુરબા આશ્રમની પણ તેઓ મુલાકાત લેશે. સાંજે 6 કલાક રંગુનમાતાના દર્શન કરી સરધાર જવા રવાના થશે. જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવશે અને સભા યોજાશે. સ્વામીનારાયણ મંદિર ખાતે મંત્રી રાત્રી રોકાણ કરશે.
બીજા દિવસે એટલે કે, 21મી ઓગષ્ટના રોજ સવારે 8:30 કલાકે સરધાર સ્વામીનારાયણ મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી એક પત્રકાર પરિષદને સંબોધશે અને 9;15 કલાકે જિલ્લાના ડુંગરપુર ગામે માલધારી સમાજની મુલાકાત લેશે અને ત્યારબાદ વીરનગર પહોંચશે જ્યાં તેઓનું સન્માન કરાશે. આટકોટમાં પણ તેઓનું સ્વાગત કરવામાં આવશે. આટકોટમાં તેઓ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈ વેક્સિન લેનાર લોકો સાથે ચર્ચા કરશે. જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે સવારે 10:15 કલાકે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની એક જાહેરસભા યોજાશે અને તેઓ બપોરે 12:20 કલાકે બાબરા પહોંચશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીની આ યાત્રાના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી, ભરત બોઘરા છે. સાથો સાથ તેઓની સાથે મેયર ડો.પ્રદિપ ડવ પણ સતત હાજરી આપી રહ્યાં છે.