દેશમાં કોરોનાવાયરસના વધતા સંક્રમણથી ઓક્સિજન, હોસ્પિટલોમાં બેડ અને, આવશ્યક દવાઓનો અભાવ એક ચિંતાનું કારણ બન્યું છે. આ ચિંતાઓને દૂર કરવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. Covid-19ની હોસ્પિટલો વધારવામાં આવી અને બધાને સારવાર મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવી રહી છે. હવે સરકારે રેમડેસીવિરના ઉત્પાદનમાં વધારો કરવાનાં પગલાં લીધાં છે.
કોરોના સંક્રમણના ઉપચાર રૂપે અસરકારક માનવામાં આવતી દવા રેમડેસીવિરના અભાવને કારણે દર્દીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે કેટલાક લોકો તેનું બ્લેક માર્કેટિંગ પણ કરે છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ઘોષણા કરી છે કે, ‘જેનેટેક લાઇફસન્સીઝ બુધવારે 28 એપ્રિલથી મહારાષ્ટ્રના વર્ધામાં રેમડેસીવિર ઇન્જેક્શનનું ઉત્પાદન શરૂ કરશે. કંપની દરરોજ રેમડેસીવિરની 30 હજાર ડોઝ તૈયાર કરશે. આની સાથે દેશમાં રેમડેસીવિર ઈન્જેક્શનની કમી રહેશે નહીં અને આ દવા બજારમાં લોકોને સરળતાથી મળી રહેશે.
વર્ધાના જીનેટેક લાઇફ વૈજ્ઞાનિકોને રેમડેસીવિર ઈન્જેક્શન બનાવવા માટેનું લાઇસન્સ અપાયું છે. ગડકરીએ કહ્યું કે, ‘હૈદરાબાદની એક ટીમ મહારાષ્ટ્રના વર્ધા પહોંચી ત્યાં પરીક્ષણો કરી રહ્યા છે. કંપની બુધવારથી ઉત્પાદન શરૂ કરશે. વર્ધામાં કરવામાં આવતા રેમડેસીવિર ઇંજેકશનનું વિતરણ નાગપુર અને વિદર્ભના અન્ય જિલ્લાઓમાં કરવામાં આવશે. જરૂરિયાત મુજબ તેને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ પરિવહન કરવામાં આવશે.’