૧૬મી જાન્યુઆરીથી તળાજાના મણારથી પદયાત્રાનો આરંભ: ૨૨મીએ સમાપન
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીના ૧૫૦માં જન્મજયંતી વર્ષની ઉજવણી કરવામાં આવી રહેલ છે.પૂજયબાપુની સ્મૃતિને ચિરકાળ બનાવવા બુનિયાદી શાળાઓ અને સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૬ થી તા.૨૨ જાન્યુઆરી સુધી ચાલનાર ૧૫૦ કી.મી.લંબાઈની આ પદયાત્રા ૩૫ ગામોમાંથી પસાર થશે. જેમાં સમગ્ર રાજય અને દેશના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત નાગરિકો બહોળી સંખ્યામાં જોડાશે.
આઝાદીના સંઘર્ષ સાથે જ બાપુએ ચરિત્ર નિર્માણ અને સમાજ ઘડતર થકી રાષ્ટ્રનિર્માણના કાર્યને સાંકળી લીધેલું જેથી આઝાદી મળ્યા બાદ સ્વરાજયથી સુરાજયની સંકલ્પના સાકાર થઈ શકે. આ માટે બાપુએ બુનિયાદી શિક્ષણ પઘ્ધતિ વિકસાવી હતી. આ અંગે પૂજય બાપુએ જણાવેલ હતું કે, બુનિયાદી શિક્ષણ પદ્ધતિએ માનવજાતને મારી આખરી અને અમુલ્ય દેન છે. ભાવનગર જિલ્લાના તત્કાલીન ગાંધીવાદી કર્મશીલોના પ્રયત્નોથી અનેક બુનિયાદી શાળાઓ સ્થપાયેલ, જે આજે પણ ગાંધીયુગની સ્મૃતિ સાચવીને ઉભી છે. આ પદયાત્રા પથ પણ આવી બુનિયાદી શાળાઓને સાંકળીને નિર્ધારિત કરવામાં આવેલ છે. તા.૧૬ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા-મણારથી પદયાત્રા પ્રસ્થાન થશે તથા તા.૨૨નાં રોજ સંસ્થા ખાતે સમાપન થશે. ગાંધી વિચારધારા સાથે નવી પેઢી જોડાય તથા પૂજય બાપુએ કલ્પેલા શોષણવિહીન, અહિંસક, ન્યાયી, સમાનતા તથા બંધુતા સાથે કરૂણાપૂર્ણ અને પ્રકૃતિપ્રેમી સમાજનું નિર્માણ થાય તેવા શુભ હેતુસર પૂજય બાપુએ આપેલા ૧૧ મહાવ્રતના મૂલ્યો પર આ પદયાત્રાની સભાઓ આધારિત રહેશે. આ પદયાત્રાની સમગ્ર માહિતી તથા રજીસ્ટ્રેશન સુવિધા પદયાત્રાની વેબસાઈટ www. gandhi15padyatra.in પર ઉપલબ્ધ છે.
પદયાત્રા પ્રથમ દિવસે મણાર, બેલા, કઠવા, ઉમરાળા, ત્રાપજ, બીજા દિવસે સમઢીયાળા, દિહોર, ભરૂવળ, માયાધાર, ત્રીજા દિવસે લાખાવડ, અભડા, ભુતિયા, શેત્રુંજી ડેમ અને માંડવડા, ચોથા દિવસે જાની પાણીયાળી, ભાદાવાવ, મોટી પાણીયાળી, પાલિતાણા, પાંચમાં દિવસે આદિપુર, ઘેટી, દુધાળા, છઠ્ઠા દિવસે દુધાળા, પાંચપીપળા, રાણપરડા, પીથલપુર, વાયુકડ ફરશે. જયારે ૨૨મીએ સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખાતે સમાપન થશે.