ગાંધી વિચારની પદયાત્રા બાદ પાલનપુર ખાતે વિશ્વશાંતિ સદભાવના યાત્રામાં પણ મનસુખ માંડવિયા જોડાશે
ગાંધી ૧૫૦ નિમિત્તે દરેક સાંસદોને પદયાત્રા કરવાનો જે સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે તે વિચારના વિચારબીજ સમા મનસુખ માંડવિયા દ્વારા જાન્યુઆરી માસમાં બુનિયાદી શિક્ષણ અને ગાંધીજીના ‘સર્વોદય શિક્ષણ’ના સંદેશાઓ સાથે ગાંધી મુલ્યોના માર્ગે-પદયાત્રા થયેલ જે સમાજને સ્પર્શી ગયેલ.
ગાંધીજીના ૧૧ મહાવ્રતો પૈકી એક મહાવ્રત ‘સર્વધર્મ સમભાવ’ છે, ત્યારે આ સમભાવ દ્વારા વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સદ્દભાવના ઉભી થાય તે માટે નૂતન ભારતી સંસ્થા મડાણા દ્વારા એક આંતરરાષ્ટ્રીય વિશ્વશાંતિ ‘પદયાત્રા’નું આયોજન તા.૨૨/૦૭/૨૦૧૯ થી તા.૨૮/૦૭/૨૦૧૯ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સદભાવનાના વિચારોને વરેલા યુએસએ, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, હોલેન્ડ તથા જાપાન જેવા દેશોના કલા, સાહિત્ય અને સંગીતક્ષેત્રના નિષ્ઠાવાન લોકો આ પદયાત્રામાં સામેલ થયેલ છે. આ ‘પદયાત્રા’ની આગેવાની વિશ્વ પદયાત્રી પ્રેમ કુમાર કરે છે ત્યારે પ્રેમ કુમાર અને તેની સાથે જોડાયેલી આ તેની ટીમસાથે ગાંધીજીના બુનિયાદી શિક્ષણના હિમાયતી અને પોતાની સાદગીથી એક આગવી ઓળખ ઉભી કરનાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ આ પદયાત્રામાં જોડાવવા માટે આવવાના છે. તા.૨૭/૦૭/૨૦૧૯ શનિવારના રોજ પ્રાત: કાળે ‘ઢુવા’ ગામથી પદયાત્રામા જોડાશે અને ત્યાંથી સામઢી-રાણાજીવાસ-સામઢી મોટાવાસ-સામઢી નાઢાણીવાસ સુધી પદયાત્રામાં જોડાઈને વિશ્વશાંતિ અને સમભાવનો ગાંધીજીનો સંદેશો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે તે માટેના સંસ્થાના પ્રયત્નોમાં સાથ આપશે.