‘ગાંધીમૂલ્યોનાં માર્ગે પદયાત્રા’ના માર્ગ પર આવતા 150 ગામોનાં લોકો સાથે મુલાકાત કરશે
ભારત સરકાર દ્વારા સદીના મહામાનવ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના 150મા જન્મજયંતી વર્ષની ઉજવણી બે વર્ષ સુધી કરવામાં આવીરહી છે. પૂજ્ય બાપુને સ્મરણાંજલિ અર્પવા સમગ્ર દેશ-દુનિયામાં સરકારની સાથે સાથે જુદા-જુદા સામાજિક અને સ્વૈચ્છિક સંગઠનો પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહેલ છે.
પૂજ્ય બાપુની સ્મૃતિને ચિરકાળ બનાવવા કેન્દ્રીય શીપીંગ(સ્વતંત્ર હવાલો), કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા બુનિયાદી શાળાઓ અને સ્વૈચ્છિક સંગઠનોનાં સહયોગથી ભાવનગર જીલ્લાના તળાજા, પાલીતાણા અને સિહોર તાલુકામાંથી પસાર થતી એક ગાંધીમૂલ્યોનાં માર્ગે પદયાત્રાનું આયોજન તા. 16/01/2019 થી તા. 22/01/2019 દરમ્યાન કરાયું હતું. 150 કી.મી લંબાઈની આ પદયાત્રા 35 ગામોમાંથી પસાર થયેલહતી. આ પદયાત્રાને હેતુલક્ષી બનાવવા પદયાત્રાના આયોજનમાં ત્રણ પાસાને વણી લીધા હતા. જેમાં ગાંધી 150ની ઉજવણી માટે 150 કી.મી. લાંબી પદયાત્રા,150 કાયમી પદયાત્રીઓ, 150 ગામડાઓની ભાગીદારી અને 150 જેટલી ગાંધીવિચારોથી ચાલતી શૈક્ષણીક અને સામાજિક સંસ્થાઓને આ પદયાત્રામાં જોડ્યા હતા. પૂજ્ય બાપુએ કહ્યું છે તેમ, બુનિયાદી શિક્ષણ પદ્ધતિ એ માનવજાતને મારા જીવનની અંતિમ અને અમૂલ્ય દેન છે. આ પદયાત્રાનો માર્ગ પણ આવી જ બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓને જોડીને નિયત કરવામાં આવેલ છે. જે આ પદયાત્રાને ખરા અર્થમાં સાર્થક કરે છે. મહાત્મા ગાંધીએ વર્ષ 1937માં વર્ધા ખાતે તેમની બુનિયાદી શિક્ષણ પદ્ધતિ રાષ્ટ્રને અર્પણ કરેલ. આ સમયે પ્રખર ગાંધીવાદી કેળવણીકાર પૂજ્ય નાનાભાઈ ભટ્ટ દ્વારા ભાવનગર જીલ્લામાં સૌપ્રથમ બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓ ગ્રામ દક્ષિણા મૂર્તિ-આંબલા, મણાર અને લોકભારતી સણોસરાની સ્થાપના થયેલ. આ શૈક્ષણિક સંસ્થાઓનું રાષ્ટ્ર નિર્માણમાં ખુબ મોટું યોગદાન રહ્યું છે. એકમાત્ર સિદ્ધિ ગણાવવાની હોઈ તો તે લોક-1 ઘઉંનું સંશોધન ગણાવી શકાય. આપણા દેશને અન્નક્ષેત્રે સ્વનિર્ભર બનાવવામાં લોક-1 ઘઉંની જાતનું ખુબ મોટું યોગદાન છે. પદયાત્રાના પથપર આ બુનિયાદી સંસ્થાઓને જોડી નવી પેઢીમાં બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓની વાત પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય પાર પડયું હતું.
આ પદયાત્રાનું ત્રીજું અને મહત્વનું પાસું છે પૂજ્યબાપુએ આપેલ 11 મહાવ્રત. આ સમગ્ર પદયાત્રા દરમિયાન 11મહાવ્રતો પર મહાવ્રત સભાનું આયોજન થયેલ હતું. જેમાં પૂજ્ય બાપુએ બતાવેલા મહાવ્રતો અને વર્તમાન સમયમાં તેની ઉપયોગીતાપર ગહન ચિંતન અને મનન કરવામાં આવ્યું છે. પદયાત્રા સમાપન પ્રસંગે તમામ ઉપસ્થિતિ લોકોએ દર વર્ષ પદયાત્રા દિવસ ની ઉજવણી કરવા માટે માંગણી કરેલ, જેના ભાગરૂપે દરવર્ષે પદયાત્રા દિવસ ઉજવવાનું નક્કી કરેલ છે. આ વર્ષે પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે તા.16/01/2020નાં રોજ કેન્દ્રીય શીપીંગ (સ્વ.હ.), કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખભાઇ માંડવિયા પદયાત્રા પથ પર આવતા 150 ગામોનાં લોકો સાથે મુલાકાત કરશે તથા જુદી-જુદી સાત સંસ્થાઓમાં કાર્યક્રમનું પણ આયોજન કરેલ છે. આપદયાત્રા જેમાર્ગ પરથી પસાર થઇ હતી તે માર્ગને પદયાત્રા પથ તરીકે જાહેર કરવાના છે, જેનુંપણ નામાભિધાન મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉત્તર બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, શહેર તથા ગામના હોદ્દેદારો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે.