બપોરબાદ હરદીપ પુરી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેશે
ભારત સરકારના મંત્રી હરદીપ પૂરી આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતાં. આ મુલાકાત દરમ્યાન માન. મંત્રીશ્રી રાજકોટ મહાનગરપાલિકાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતી અને ગૌરવ પ્રાપ્ત કરી ચુકેલા પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત લઇ વિગતો મેળવી હતી. સવારે તેઓએ “આઈ-વે પ્રોજેક્ટના આઈસીસીસી (ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર)ની મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટના તમામ ફંકશન નિહાળી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતાં તથા તેની મુક્ત કંઠે સરાહના કરી હતી. ત્યારબાદ તેઓએ મહાનગરપાલિકાની સ્માર્ટ ઘર-૩ આવાસ યોજના અને ભારતનગર પીપીપી આવાસ યોજનાની સ્થળ મુલાકાત લીધી હતી અને આ બંને પ્રોજેક્ટથી પણ તેઓ એટલા જ પ્રભાવિત થયા હતાં, અને તાત્કાલિક આ પ્રોજેક્ટ્સની ઝીણામાં ઝીણી વિગતો અને આયોજન સંબંધી વિગતો પણ માંગી હતી.
મંત્રીએ રાજકોટ આઇવે પ્રોજેક્ટનાં આઈસીસીસી (ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર)ની મુલાકાત લીધી હતી. જ્યાં મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ બુકે વડે મંત્રીનું સ્વાગત કર્યું હતું. આ અવસરે મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને દંડક અજયભાઈ પરમાર, તથા બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ડી.જે.જાડેજા, એડી.સિટી એન્જીનીયર બી.યુ.જોશી, ડાઇરેક્ટર (આઈ.ટી.) સંજય ગોહેલ, પણ ઉપસ્થિત હતાં.
તેઓએ આઈ-વે પ્રોજેક્ટના ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરમાં બેસી આ પ્રોજેક્ટની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત કરી હતી. આ તકે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ સમગ્ર પ્રોજેક્ટનું નિદર્શન કર્યું હતું. સાથોસાથ કંટ્રોલ સેન્ટરના વિશાળ સ્ક્રીન પર લાઈવ સચિત્ર માહિતી પણ આપી હતી. આઈ-વે પ્રોજેક્ટની મદદથી સમગ્ર શહેરના રાજમાર્ગો અને અન્ય વિસ્તારનું નિરીક્ષણ, ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઈમ ડીટેક્શન, સરકારી મિલકતોની દેખભાળ, મહાનગરપાલિકાના “સ્કાડા હેઠળ વોટર વર્કસ અને ડ્રેનેજ શાખાનું વોટર મેનેજમેન્ટ, ટ્રાફિક નિયમ ભંગ બદલ જનરેટ થતા ઈ-ચલન વગેરેની વિવિધ માહિતી પ્રાપ્ત કરી હતી.
ત્યારબાદ માન. કેન્દ્રીય મંત્રી રાજકોટ મહાનગરપાલિકાની ગ્રીન બિલ્ડીંગ ક્ધસેપ્ટ હેઠળના સ્માર્ટ ઘર-૩ હાઉસિંગ પ્રોજેક્ટ અને પછી ભારતનગર પીપીપી આવાસ યોજનાની પણ સ્થળ મુલાકાત લીધી હતી. સ્માર્ટ ઘર-૩ આવાસ યોજનાના મકાનમાં ગરમી અને ઠંડીની ઋતુમાં રહેવાસીઓને કેવી સાનુકુળતા રહે છે તેની વિગતો મેળવી હતી. ઉનાળાની મોસમમાં આ મકાનોમાં બહારના તાપમાન કરતા ચારથી પાંચ ડીગ્રી તાપમાન નીચું રહે તે પ્રકારે દિવાલો અને બારી બારણાની ડીઝાઈન બનાવાયેલી છે.
આ આવાસ યોજનામાં ઇન્ટીગ્રેટેડ શોપિંગ સેન્ટર અને આંગણવાડી પણ બનાવેલી છે. સાથોસાથ સર્વ શિક્ષા અભિયાનમાં ત્યાં સ્કૂલની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવેલી છે. ભારતનગર પીપીપી આવાસ યોજનાની મુલાકાત દરમ્યાન માન. કેન્દ્રીય મંત્રીએ ત્યાના રહેવાસીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. ઉપરાંત એક લાભાર્થીનાં ઘરની અંદર રૂબરૂ જઈને પણ તમામ સુવિધાઓ નિહાળી અત્યંત ખુશી વ્યક્ત કરી હતી. આ અવસરે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન ગણાત્રા, સિટી એન્જીનીયર સ્પે. અલ્પના મિત્રા તથા તેમના હાઉસિંગ ડીપાર્ટમેન્ટના સ્ટાફ સભ્યો ઉપસ્થિત હતાં. બપોર બાદ મંત્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમની પણ મુલાકાત લેનાર છે.