આડેધડ પાર્ક થતા વાહનોની સમસ્યા નિવારવા સરકાર હરકતમાં, જાગૃત નાગરિકો તંત્રને નિયમભંગની જાણ કરી ઇનામ મેળવી શકે તેવો કાયદો બનાવાશે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એવો નિયમ બનાવવાની વાત કરી છે જેનાથી જાગૃત નાગરિક 500 રૂપિયા કમાઈ શકે. ગડકરી ઈચ્છે છે કે નવો નિયમ બનાવવામાં આવે અને દેશભરમાં ક્યાંય નો પાર્કિંગમાં પાર્ક કરેલી કાર/બાઈક અથવા અન્ય કોઈપણ વાહન સાથે સેલ્ફી મોકલનારાઓને રોકડ ઈનામ આપવાની વ્યવસ્થા કરવામાં આવે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પગલાનો ધ્યેય નો પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. શહેરી વિસ્તારોમાં ગેરકાયદે પાર્કિંગ એક મોટી સમસ્યા બની ગઈ છે અને સાંકડા રસ્તાઓ જામ થવાનું પણ આ સૌથી મોટું કારણ છે.
જેના કારણે માત્ર અવર જવર કરતા વાહનો જ નહી પરંતુ રાહદારીઓ પણ પરેશાન થઇ રહ્યા છે. ગડકરીએ પોતે કહ્યું હતું કે લોકો પાર્કિંગની તેમની યોગ્ય જગ્યા છોડીને રસ્તા પર કાર પાર્ક કરે છે. તેણે કહ્યું, હું એક નવો નિયમ લાવવા જઈ રહ્યો છું જેમાં ખોટી રીતે પાર્ક કરેલા વાહનનો ફોટો મોકલવા પર વ્યક્તિને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જો ચલણ 1,000 રૂપિયાનું છે, તો ફોટો મોકલનારને 500 રૂપિયા આપવા જોઈએ. આનાથી પાર્કિંગની સમસ્યામાંથી ઘણી રાહત મળશે.
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારનો નિયમ બેજવાબદાર ડ્રાઈવરોમાં મોટો ફેરફાર લાવશે. રસ્તાની સંવેદનશીલતા પર, તેમણે કહ્યું, “અગાઉ અમે અમેરિકામાં રસોઈયા અને નોકરાણીઓને કારમાં આવતા જોઈને ચોંકી જતા હતા, પરંતુ હવે ભારતમાં પણ આવી જ સ્થિતિ થઈ ગઈ છે.” જણાવી દઈએ કે નિતિન ગડકરી દેશભરમાં તેમના ઉત્તમ કામ અને નિર્ણાયક નિર્ણયો માટે લાંબા સમયથી ચર્ચામાં છે અને તેમની દેખરેખમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
વાહનોનો અતિરેક : એક પરિવારમાં 4 લોકો વચ્ચે 6 ગાડીઓ!!
ગડકરીએ વધુમાં કહ્યું હતું કે, ભારતમાં તો એક પરિવારમાં 4 સદસ્યો હોય અને 6 ગાડીઓ હોય તેવું પણ જોવા મળે છે. આ સાથે જ તેમણે દિલ્હીનું ઉદાહરણ આપ્યું હતું કે, દિલ્હીવાળા તો નસીબદાર છે કારણ કે, રોડ તો અમે જાણે તેમની ગાડીઓ પાર્ક કરવા માટે જ બનાવ્યા છે. કોઈ જ લોકો પાર્કિંગ નથી બનાવતા. સૌ લોકો પોતાની ગાડીને રસ્તા પર જ ઉભી રાખી છે. ગડકરીએ પોતાના ઘરનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, તેમણે પોતાના નાગપુર ખાતેના ઘરે 12 ગાડીઓનું પાર્કિંગ બનાવી રાખ્યું છે. તેઓ પોતે ગાડીને રોડ પર પાર્ક નથી કરતા.