મહાત્મા મંદિરમાં તા. 31 ઓગસ્ટે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા-બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની રહેશે પ્રેરક ઉપસ્થિતિ
મહાનુભાવોના વરદહસ્તે અન્નપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે; વિવિઘ યોજનાના લાભાર્થઓને સહાય વિતરણ પણ કરાશે
પોષણ માહ અંતર્ગત દેશભરમાં પોષણ આધારીત વિવિઘ થીમ પર યોજાશે અનેકવિધ કાર્યક્રમો
સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2017-18થી દર વર્ષે ભારતભરમાં સપ્ટેમ્બર માસને “રાષ્ટ્રીય પોષણ માહ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા. 1 થી 30 સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સાતમાં “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણી કરવામાં આવશે. ગાંધીનગર ખાતેથી તા. 31મી ઓગસ્ટના રોજ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી સાતમાં પોષણ માહની ઉજવણીનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવશે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહેશે.
સાતમાં રાષ્ટ્રીય પોષણ માહના શુભારંભ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના વરદહસ્તે અન્નપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટનું વિતરણ કરવામાં આવશે. સાથે જ, રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વિધવા પુન: લગ્ન આર્થિક સહાય યોજના તથા મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને પણ સહાય વિતરણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોષણ અભિયાનની વર્ષ 2017-18માં શરૂઆત કરવામાં આવી, ત્યારથી અત્યાર સુધીમાં કુલ છ પોષણ માસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ગુજરાત દરેક વર્ષે અગ્રેસર રહ્યુ છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25ના “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણીનું આયોજન વિવિધ થીમ આધારિત કરાશે. જેમાં એનિમિયા, વૃદ્ધિ દેખરેખ (ગ્રોથ મોનીટરીંગ), પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી (PBPB), સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજી તથા સર્વગ્રાહી પોષણ કે જે પોષણ સાથે જોડાયેલા તમામ આવશ્યક તત્વોને આવરી લે છે. આ થીમ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આયોજિત કરાશે.
પોષણ અભિયાન દ્વારા સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0, એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે, જે આંગણવાડીની સેવાઓ, કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને નિર્દેશીત કરે છે.