કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ આજે  ગુજરાત સરકારને રૂ. 338.24 કરોડની નાણાકીય સહાયને મંજૂરી આપી છે. રાજ્ય ચક્રવાતી તોફાન બિપરજોયથી પ્રભાવિત થયું હતું, એમ મંત્રાલયે જણાવ્યું હતું. બિપરજોય’ 16 જૂને ભારે વરસાદ સાથે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું.કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો, જેના કારણે વૃક્ષો અને વીજ થાંભલા ઉખડી ગયા હતા.

સાવચેતીના ભાગ રૂપે, બિપરજોય ત્રાટકી તે પહેલા રાજ્ય સરકારે લગભગ એક લાખ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ચક્રવાતના કારણે થયેલા ભારે વરસાદને કારણે દરિયાના પાણી નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોમાં ઘૂસી ગયા હતા. જુલાઈમાં, રાજ્ય સરકારે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ચક્રવાતથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રૂ. 240 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાદમાં વિધાનસભાને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જૂનમાં ચક્રવાત ‘બિપરજોય’થી થયેલા નુકસાન માટે કેન્દ્ર પાસેથી રૂ. 700 કરોડનું વળતર માંગ્યું હતું, પરંતુ 31 જુલાઈ સુધી કોઈ ગ્રાન્ટ મળી નથી. મુખ્યમંત્રી, જેઓ આપત્તિ વ્યવસ્થાપન વિભાગને સંભાળી રહ્યા છે, તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે 18 જૂને કેન્દ્રને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું જેમાં ચક્રવાતથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે 700.42 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

કેન્દ્ર તરફથી હિમાચલ પ્રદેશને રૂ.633.73 કરોડની વધારાની નાણાકીય સહાય

આ સિવાય ગૃહ મંત્રાલયે હિમાચલ પ્રદેશને 633.73 કરોડ રૂપિયાની વધારાની નાણાકીય સહાયને મંજૂરી આપી છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી રાજ્ય ગંભીર રીતે પ્રભાવિત થયું હતું.

હિમાચલ પ્રદેશ સરકારે આ વર્ષે ઓગસ્ટમાં વરસાદની મોસમમાં 6746.93 કરોડ રૂપિયાના નુકસાન માટે ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો હતો. કેન્દ્ર સરકાર પાસેથી 10 ઓગસ્ટ સુધી થયેલા નુકસાનના આધારે નાણાકીય સહાય પૂરી પાડવાની માગણી કરવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને આપત્તિ પછીની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં રાજ્યને મદદ કરવા વિનંતી કરી હતી, જેથી કરીને રાજ્ય સરકાર પાસેથી મદદ માંગી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.