માળખાગત સાથે વૈશ્વિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે: રૂપાલ, માણકોલ, મોડાસર, બિલેશ્ર્વરપુરા ને રામનગર બનશે આદર્શ ગ્રામ
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સાણંદ, કલોલ તથા ગાંધીનગર તાલુકાના પાંચ ગામોની સાંસદ આદર્શ ગ્રામ યોજના માટે પસંદગી કરી છે તેમ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના મીડિયા વિભાગે જણાવ્યું છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા તેમના લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલ માણકોલ, મોડાસર અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ બિલેશ્વરપુરા અને રામનગર તથા ગાંધીનગર તાલુકાનાં રૂપાલ ગામની ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ માટે પસંદ કરીને આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનાવવા માટેનું બીડું ઝડપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૧ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ જયપ્રકાશ નારાયણજીની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.
આ યોજના અંતર્ગત પ્રત્યેક સાંસદ દ્વારા પોતાના લોકસભા ક્ષેત્રમાંથી પસંદ કરેલા ગામડાના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જેમાં જુદી-જુદી સરકારી યોજનાઓનો આ ગામડાઓમાં અમલ કરીને તથા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આદર્શ ગામ તરીકે વિકસાવવામાં આવે છે. આ પ્રક્રિયા અન્વયે ભૌતિક – માળખાગત સુવિધાઓ સહિત સ્માર્ટ સ્કૂલ, આરોગ્ય સુવિધાઓ, પોતાના ઘરના ઘરથી વંચિત નાગરિકો માટે પાકા મકાનો જેવી વિવિધ પ્રકારની સવલતોનો સમાવેશ થાય છે.
આ હેતુસર સાણંદ તાલુકામાંથી પસંદ કરાયેલું માણકોલ ગામ નળસરોવર રોડ પર આવેલ પ્રથમ ગામ હોવાથી તે નળ સરોવરનું પ્રવેશદ્વાર ગણાય છે. ૫૦૦ થી ૬૦૦ વર્ષ પહેલા વસેલું આ માણકોલ ગામ સાણંદથી ૧૮ કી.મી. ના અંતરે સ્થિત છે અને ૫૮૬૨ ની વસ્તી ધરાવે છે. માણકોલ ગામ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા એવા પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈનું વતન હોવાથી ખૂબ જ મહત્વ ધરાવે છે.
નળ સરોવર અને સાણંદ શહેર ને જોડતું આ ગામ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મીની વેપારી મથક તરીકે પ્રચલિત છે. આ ઉપરાંત સાણંદ તાલુકામાંથી પસંદ કરાયેલું મોડાસર ગામ પૌરાણિક વારસો ધરાવે છે. મોડાસર ગામ સાણંદ થી ૧૦ કિમી.ના અંતરે આવેલ છે અને ૨૦૧૯ ની સ્થિતિએ ૫૪૧૦ લોકોની વસ્તી ધરાવે છે.
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના કલોલ તાલુકાના પસંદ કરેલ બિલેશ્વરપુરા ગામ કલોલ થી ૦૮ કિમી.ના અંતરે આવેલ છે, આ ગામનું નામ ગામમાં સ્થિત સ્વ્યંભુ શિવલીગ બિલેશ્વર મહાદેવ પરથી આવેલ છે. બિલેશ્વરપૂરા ગામમાં જોવાલાયક રામજી મંદિર અને મહાકાળી માતાજીનાં મંદિરો આવેલા છે. બિલેશ્વરપુરાની વસ્તી ૨૦૭૧ નોંધાયેલ છે.
કલોલ તાલુકાનું જ અન્ય પસંદ કરાયેલ રામનગર કલોલથી ૬ કિલોમીટરના અંતરે સ્થિત છે. જેમાં ૨૦૧૯ ની સ્થિતિએ રામનગર વસ્તી ૨૦૩૮ નોંધાયેલ છે. અહી નોધનીય છે કે વર્ષ ૨૦૦૮-૦૯ માં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગ્રામ પંચાયત નિર્મળ ગામ પુરસ્કાર, વર્ષ ૨૦૧૦-૧૧ માં સ્વર્ણિમ ગ્રામપુરસ્કાર અને તાજેતરમાં ગામની જળ સ્વચ્છ સમિતિને વાસમો દ્વારા રૂ. ૫૦,૦૦૦ નો પુરસ્કાર રામનગર ગામે મેળવેલ છે.