મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ સાથે વધુ એક બેઠક યોજશે
ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્વ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સંપૂર્ણ પણે મોરચો સંભાળી લીધો છે. તાજેતરમાં ગૃહમંત્રી અમિતભાઇ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન આજથી બે દિવસ વડાપ્રધાનના ગુજરાતમાં ધામા છ. પી.એમ. દિલ્હી પરત ફરતાની સાથે જ શનિવાર અથવા રવિવારે ફરી અમિતભાઇ ગુજરાતની મુલાકાતે આવશે.
આગામી બે અને ત્રણ ઓકટોબરના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગાંધીનગરની સિવીલ હોસ્પિટલના કેમ્પસમાં બનનારી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું ખાતમુહુર્ત કરશે. ગાંધીનગરના સાંસદ હોવાના કારણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ગૃહમંત્રી આગામી શનિવારે અથવા રવિવારે ફરી ગુજરાતની મુલાકાતે આવશે. તાજેતરમાં તેઓ ગુજરાતના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સાથે ચુંટણી લક્ષી બેઠક યોજી હતી. સપ્તાહના અંતમાં તેઓ ગુજરાતની મુલાકાત દરમિયાન પટેલ અને પાટીલ સહિતના ભાજપના નેતાઓ સાથે બેઠક યોજે તેવી શકયતા જણાય રહી છે.