સુરત જિલ્લાના બાજીપૂરા ખાતે સહકાર સંમેલનમાં તેઓ હાજરી આપશે:સંમેલનમાં
તમામ દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે

અબતક, રાજકોટ
આગામી 19 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાત આવશે. સુરત જિલ્લાના બાજીપૂરા ખાતે સહકાર સંમેલનમાં તેઓ હાજરી આપશે.કેન્દ્રીય સહકારી પ્રધાન અમિત શાહનું બાજીપુરાના કાર્યક્રમમાં સન્માન કરાશે. સમગ્ર દક્ષિણ ગુજરાતની તમામ દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરીમાં સહકારીત સંમેલન યોજાશે. સુમુલ ડેરી દ્વારા સંમેલનનું આયોજન કરાયું છે.

સુરત અને તાપી જિલ્લામાં અંદાજિત 6 હજાર મંડળીઓ આવેલી છે, તેમજ તેના થકી વર્ષે 10 હજાર કરોડ ખેડૂતોને આવક મળી રહે છે. તેમાં પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો મંડળી થતી સમૃદ્ધ થઇ થયા છે. ત્યારે આ કાર્યક્રમમાં દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરી રહેશે. તેમના દ્વારા અમિત શાહનું સન્માન કરવામાં આવશે.

ત્યારે કેન્દ્ર સરકારમાં અલગથી સહકાર મંત્રાલયની જાહેરાત કરીને પ્રધાન પદે અમિત શાહની વરણી કરવામાં આવી હતી, જેથી સહકાર મંત્રીનું સન્માન કરવા બાજીપુરા ખાતે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અગાઉ બે વખત સહકાર પ્રધાન અમિત શાહે સમય આપ્યો હતો, પરંતુ કોરોનાને લીધે બંને વખત કાર્યક્રમ મોકૂફ રાખવાની નોબત આવી હતી. પરંતુ હવે દેશભરમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અમિત શાહનું સન્માન કરવા માટે ફરીથી 19 મી ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમ બારડોલી તાલુકામાં આવેલા બાજીપુરા સ્થિત સુમુલ દાણ ફેક્ટરીમાં યોજાવાનો છે. કાર્યક્રમની રૂપરેખા હજુ તૈયાર થઇ રહી છે. પરંતુ 19 ફેબ્રુઆરીના શનિવારે અમિત શાહ સુરત આવશે તે નક્કી થઇ ગયુ છે. સુમુલ ડેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અમિત શાહનું સ્વાગત અને સન્માન કરવા સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.