કાલે અષાઢી બીજે વહેલી સવારે 4 વાગ્યે અમદાવાદમાં જગન્નાથ મંદિરે કરશે મંગળા આરતી: કલોલ, રૂપાલ, વાસણ, ગાંધીનગર, નવાપુરા અને મોડાસર ગામમાં વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજથી ફરી એકવાર બે દિવસ માટે માદરે વતન ગુજરાતના મોંઘેરા મહેમાન બની રહ્યા છે. આજે મોડી સાંજે તેઓનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. આવતીકાલે તેઓ અલગ-અલગ આઠ કાર્યક્રમોમાં સહભાગી થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના ગુજરાતમાં આંટાફેરા સતત વધી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિતભાઇ શાહ આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. આજે તેઓના કોઇ સત્તાવાર કાર્યક્રમ નથી. પરંતુ તેઓ પ્રદેશ ભાજપના હોદ્ેદારો સાથે બંધ બારણે બેઠક યોજે તેવી શક્યતા જણાય રહી છે. આવતીકાલે અષાઢી બીજે તેઓ અલગ-અલગ આઠ કાર્યક્રમોમાં હાજરી આપશે.
અષાઢી બીજના પાવન દિવસે અમદાવાદમાં જગન્નાથજી મંદિર દ્વારા પરંપરાગત રથયાત્રા યોજાય છે. કાલે સવારે 4 કલાકે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં ભાગ લેશે ત્યારબાદ સવારે 9:30 ગાંધીનગર જિલ્લાના કાબોલ તાલુકાના સૈજ ગામે શ્રી સ્વામિ નારાયણ વિશ્ર્વ મંગળ ગુરૂકુલ સંચાલીત સ્વામિનારાયણ યુનિવર્સિટીના એડમિશન બ્લોકનું ઉદ્ઘાટન કરશે અને 750 બેડની પીએસએમ હોસ્પિટલનું ખાતમુહુર્ત કરશે. સવારે 11 કલાકે તેઓ ગાંધીનગર જિલ્લાના રૂપલ ગામમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે. રૂપલ ગામમાં વરદાવીની માતા મંદિર ટ્રસ્ટ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીની રજત તુલા કરવામાં આવશે. બપોરે 1 કલાકે ગાંધીનગર જિલ્લાના વાસણ ગામમાં ગૃહમંત્રીના હસ્તે વાસણ ગામ તળાવના નવીનીકરણ અને બ્યૂટીફિકેશનનું ખાત મુહુર્ત કરશે.
જ્યારે બપોરે 2:30 કલાકે ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ કરશે. બપોરે 3:30 કલાકે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નવાપુરા ગામે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. 3:50 કલાકે તેઓ સાણંદ તાલુકાના મોડાસર ગામે તળાવના નવીનીકરણ અને બ્યૂટીફિકેશનનું ખાત મુહુર્ત કરશે. જ્યારે અંતિમ કાર્યક્રમમાં મોડસર ગામે જ બપોરે 4:15 કલાકે ગાંધીનગર લોકસભાના લાભાર્થીઓને રાંધણ ગેસ, કીટનું વિતરણ, થેલેસેમિયા જાગૃતિ અભિયાનનો આરંભ કરાવીને ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આજે મોડી સાંજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે આવી પહોંચશે. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.