- વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દર સપ્તાહે વતનમાં આંટાફેરા
- સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી પુજા અર્ચના કરશે: સુરક્ષાની સમિક્ષા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના માદરે વતન ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. ગત સપ્તાહે ગૃહમંત્રી બે દિવસ ગુજરાતની મૂલાકાતે આવ્યા હતા. દરમિયાન આગામી રવિવારે અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી પુજા-અર્ચના કરશે.
ગુજરાતમાં ફરી ભાજપ તોતીંગ બહુમતી સાથે સત્તારૂઢ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ખુદ મેદાનમાં આવ્યા છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી સમયાંતરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ ભાજપના આ બન્ને મોટા નેતાઓના ગુજરાતમાં આંટાફેરા સતત વધી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આગામી 11મી સપ્ટેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાત પધારશે.
તેઓ સોમનાથ મંદિરની મૂલાકાત લેશે. તેઓ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. રવિવારે તેઓ પ્રથમ જ્યોર્તિંલીંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી પુજા-અર્ચના કરશે. સોમનાથ ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા યાત્રિકોની સગવડતા માટે ઉભી કરેલી સુવિધાઓનું તેઓ નિરિક્ષણ કરે તેવી સંભાવના પણ વર્તાય રહી છે. હાલ સોમનાથમાં ચાલતા વિવિધ વિકાસ કામોની પણ સમીક્ષા કરશે.
ગુજરાતની મૂલાકાત દરમિયાન અમિત શાહ સોમનાથ મંદિરે દર્શન કર્યા બાદ ગાંધીનગર કે અમદાવાદમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્ેદારો સાથે બેઠક યોજે તેવી સંભાવના પણ જણાય રહી છે.