કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજથી બે દિવસ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સાંજે ગીર સોમનાથ ખાતે આવી પહોંચશે સાંજે ચાંડુવાવમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ થશે અને લોકોને માર્ગદર્શન પણ આપશે આવતીકાલે જુનાગઢ જિલ્લાની મુલાકાત લેશે અને સ્મૃતિ ગ્રંથનું વિમોચન પણ કરશે. રાજકોટ શહેરની મુલાકાતે આવે તેવીસંભાવના જણાય રહી છે.
ચાંડુવાવમાં ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ માં સામેલ થશે: કાલે જુનાગઢમાં સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજે ઝારખંડથી સીધા હવાઇ માર્ગે સાંજે પ કલાકે દિવ ખાતે આવી પહોંચશે. ત્યાંથી સાંજે 5.40 કલાકે સોમનાથ હેલીપેડ ખાતે આવી પહોચશે સાંજે ચાંડુવાવ ખાતે વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ થશે અને જાહેરસભાને સંબોધશે રાત્રી રોકાણ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે કરશે આજે તેઓ સોમનાથ મંદિર ખાતે સંઘ્યા આરતીમાં પણ સહભાગી થશે.
આવતીકાલે ગૃહમંત્રી અમિતભાઇ શાહ સવારે 10.30 કલાકે સોમનાથ મંદિર ખાતે ઘ્વજારોહણ, સોમેશ્ર્વર પુજા, ગંગાજળ અભિષેક કરી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવશે ત્યારબાદ જુનાગઢ જવા રવાના થશે અહીં ભવનાથ સ્થિત રૂપાયતન સંસ્થાના કાર્યક્રમમાં સામેલ થશે. જુનાગઢના વિચાર પુરૂષ દિવ્યકાંત નાણાવટીના શતાબ્દી વર્ષ પર્વે કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે સ્મૃતિ ગ્રંથ દિવ્યકાંત નાણાવટી: ભૂલાય તે પહેલાનું વિમોચન કરશે.
આગામી રરમી જાન્યુઆરી-2024 ના રોજ અયોઘ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે.
જેમાં સામેલ થવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા ગુજરાતના સંતો મહંતો આમંત્રણ પાઠવવામાં આવશે. આવતીકાલે તેઓ જુનાગઢમાં સંતોને નિમંત્રણ પાઠવવાના અભિયાનનો આરંભ કરશે. આવતીકાલે અમિતભાઇ શાહ રાજકોટની મુલાકાતે આવે તેવી સંભાવના પણ રહેલી છે.