આજથી દિપાવલીના પાવન પર્વનો આરંભ થઇ ચૂકયો છે. દરમિયાન ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આવતીકાલે માદરે વતનની મુલાકાતે આવી રહ્ય છે. તેઓ અમદાવાદમાં પોતાના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે. તેઓ ભાજપના સ્નેહ મિલનમાં હાજરી આપે તેવી શકયતા જણાય રહી છે.

પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે: ભાજપના સ્નેહમિલનમાં પણ હાજરી આપે તેવી શકયતા

પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ધનતેરસના દિવસે ગુજરાત આવી રહ્યા છે. તેઓ ત્રણેક દિવસ ગુજરાતમાં રોકાણ કરે તેવી સંભાવના પણ હાલ દેખાય રહી છે. પરિવારના સભ્યો સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે. પ્રદેશ ભાજપના સ્નેહ મિલનમાં પણ તેઓ હાજરી આપે તેવી સંભાવના હાલ જણાય રહી છે.

ગુજરાતની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સાથે બેઠક યોજે તેવી સંભાવના પણ જણાય રહી છે. રાજય સરકારના મંત્રી મંડળના વિસ્તરણ અને સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી પુરવા માટે વિસ્તૃત મનો મંથન  કરવામાં આવે તેવી શકયતા જણાય રહી છે. દિવાળીના તહેવાર બાદ બોર્ડ નિગમમા પણ ચેરમેન- વાઇસ ચેરમેન અને ડિરેકટરોની વરણી કરવામાં આવે તેવી વકી છે.

ધનતેરસથી ભાજપના કાર્યકરોને મળશે દિવાળી વેકેશન: 19 થી  26 સ્નેહ મિલન

સતત કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા ભાજપના  કાર્યકરો દિવાળીનું  મહાપર્વ  પરિવાર સાથે ઉજવી શકે તે માટે  પ્રદેશ અધ્યક્ષ  સી.આર. પાટીલ દ્વારા આગામી શુક્રવાર અર્થાત ધનતેરસથી સળંગ  પાંચ દિવસ માટે કાર્યકરોને  દિવાળીનું  વેકેશન આપવામાં આવશે.  આગામી 19 થી 26 નવેમ્બર દરમિયાન  રાજયભરમાં જિલ્લા અને મહાનગરોમાં  નુતન વર્ષનું  સ્નેહમિલન યોજાશે.ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગઈકાલે જિલ્લા તથા મહાનગરોના પ્રમુખો

સાથે  ઝુમ બેઠક યોજી હતી. જેમાં પક્ષના આગામી કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. દિવાળીનું  પર્વ ભાજપના કાર્યકરો પોતાના  પરિવારના સભ્યો સાથે  માણી શકે તે માટે ધનતેરસના દિવસે  ધન્વંતરી પુજા અને ચિકિત્સા કેમ્પ બાદ પાંચ દિવસ સુધી કોઈ કાર્યક્રમ ન યોજવા તાકીદ કરી છે. દરમિયાન  આગામી 19 થી 26 નવેમ્બર દરમિયાન  જિલ્લા, મહાનગર અને તાલુકા કક્ષાએ કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાશે.

લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના  મહિનાઓ બાકી હોવાના કારણે સતત  કાર્યક્રમોની વણઝાર  ચાલી રહી છે. કાર્યકરો સતત વ્યસ્ત છે. આગામી દિવસોમાં પણ પક્ષ દ્વારા સતત કાર્યક્રમો ચાલુ રાખશે. દિવાળીના તહેવારમાં  કાર્યકરોએ  પાંચ દિવસ  દિવાળી વેકેશન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.