રાજકોટના ડો.અતુલ પંડ્યા સહિત ગુજરાતના ચાર તબીબો જોડાશે: નવી ગાઇડલાઇન જાહેર કરાય તેવી પણ સંભાવના
ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે ત્યારે ભારતને કોરોનાની સંભવિત લહેરથી સાંગો પાંગ ઉગારી લેવા કેન્દ્ર સરકાર સજ્જ બની ગઇ છે. દરમિયાન આજે બપોરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા દ્વારા દેશના ખ્યાતનામ તબીબો સાથે મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રાજકોટના ડો.અતુલ પંડ્યા સહિત ગુજરાતના ચાર ડોક્ટરો જોડાશે.
ભારતમાં કોરોના સામે આગોતરા આયોજનના ભાગરૂપે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાની આગેવાનીમાં રાષ્ટ્રીય કક્ષાના વરિષ્ઠ તબીબોની અગત્યની મીટીંગનું આયોજન આજે બપોરે કરાયું છે. આ મીટીંગમાં રાજકોટના એક માત્ર ડો.અતુલ પંડ્યા સહિત ગુજરાતના ચાર તબીબોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. મીટીંગમાં કોરોનાના કેસ આવે નહી અને આવે તો વધુ પ્રસરે નહી એ માટે મહત્વની બાબતો વિશે ચર્ચા કરવામાં આવશે. કોરોનાના આ નવા વેરીયન્ટની આંતરરાષ્ટ્રીય કક્ષાએ શું અસર પડશે એ વિશે પણ નિષ્ણાતો માર્ગદર્શન આપશે.
વર્લ્ડ મેડિકલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ ડો. કેતન દેસાઈ આ મીટીંગમાં ખાસ ઉપસ્થિત રહી પોતાનુ મંતવ્ય આપશે.ચીન સહિતના અમુક દેશોમાં અત્યારે કોરોનાના કેસોમાં અચાનક ભયાનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત સરકાર દ્વારા કોરોના સામે લોકોને બચાવવા અને જરૂર પડે યોગ્ય સારવાર મળી રહે એ માટે આગોતરા આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાની આગેવાનીમાં આરોગ્ય નિષ્ણાતો, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, કેન્દ્રના મંત્રીઓ વગેરે સાથે સતત બેઠકો કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તેમની આગેવાનીમાં દેશભરના નિષ્ણાત તબીબોની મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.
જેમાં દેશભરની એઈમ્સ હોસ્પિટલના ડીરેક્ટરો, નિષ્ણાત તબીબો, ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના નિષ્ણાત તબીબો, આઈ.સી.એમ.આર.ના નિષ્ણાત તબીબો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટના એકમાત્ર ડો. અતુલ પંડ્યાનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ ઓમીક્રોનના કેસ વધ્યા ત્યારે પણ આ રીતે કોર ટીમની રચના કરવામાં આવી હતી. તેમાં પણ રાજકોટમાંથી એક માત્ર ડો. અતુલ પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના સહિત ગુજરાતના કુલ ચાર તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના ડો. તેજસ પટેલ, ડો. અનિલ નાયક અને ડો. મેહુલ શાહને પણ આ મીટીંગમાં આમંત્રણ આપવામાં આવ્યુ છે.
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાની આગેવાનીમાં આજે મળનારી બેઠકમાં કોરોનાના નવા-નવા વેરીયન્ટ, તેની સારવાર, ઓકસીજન, આઈ.સી.યુ. બેડ, કોરોના અને નોન કોવિડ દર્દીની યોગ્ય સારવાર સહિત વિવિધ મુદાઓ પર ચર્ચા-વિચારણા કરી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાના કારણે અગાઉ ઉભી થયેલી ઈમરજન્સીના અનુભવોના આધારે ભવિષ્યમાં લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે આગોતરૂં આયોજન થશે.
આ ઉપરાંત ભારતમાં કોરોનાનો વ્યાપ વધે નહી એ માટે જરૂરી ગાઈડ લાઈન નક્કી કરવામાં આવશે. દેશભરના અનુભવી લોકોની ટીમ દ્વારા લોકોએ કોરોનાથી બચવા ક્યા ક્યા પ્રકારની સાવધાની રાખવી, સરકારી તંત્ર દ્વારા ક્યા પ્રકારે સાવચેતીના પગલાં લેવામાં આવશે.