રાજકોટમાં 8 કિ.મી.ની યાત્રા દરમિયાન ર0 સ્થળોએ આરોગ્યમંત્રીનું જાજરમાન સ્વાગત કરાશે: કાર્યકર્તાઓ સાથે સંવાદ, પટેલ સમાજના આગેવાનો સાથે બેઠક અને ડોક્ટરો સાથે બેઠક યોજાશે: ખોડલધામમાં શીશ ઝૂકાવી ધ્વજારોહણ કરશે: ગોંડલ, ઉપલેટા અને ધોરાજીમાં જાહેરસભાઓ સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મંત્રી મંડળમાં સ્થાન પામેલા નવ નિયુકત 43 મંત્રીઓ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને ઉપલબ્ધીઓ જનતા સુધી પહોચાડવા માટે ગત 15મી ઓગષ્ટથી જન આશિર્વાદ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના પાંચ સાંસદો જે કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે.તેઓ છેલ્લા ચાર દિવસથી રાજયનાં વિવિધ વિસ્તારોમાં યાત્રા યોજી જનતા જનાર્દનના આશિર્વાદ મેળવી રહ્યા છે. દરમિયાન આવતી કાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની રાજકોટ શહેર અને જિલ્લામાં જન આશિર્વાદ યાત્રા યોજાશે. તેઓ જિલ્લામાં ત્રણ સ્થળે જાહેરસભા સંબોધશે કાર્યકરો, પટેલ સમાજના આગેવાનો, ડોકટરો સાથે બેઠક યોજાશે.

આવતીકાલે ગૂરૂવારે સવારે 9.30 કલાકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થશે. શહેર ભાજપના હોદેદારો અને કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા તેઓનું એરપોર્ટ ખાતે જાજરમાન સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટની બહાર નિકળતાની સાથે જ આરોગ્ય મંત્રીની જન આશિર્વાદ યાત્રાનો વિધિવત આરંભ થઈ જશે. આ યાત્રા એરપોર્ટથી રેસકોર્સ રિંગરોડ, મેયર બહગલાથી કિસાનપરા ત્યાંથી મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી હાઈસ્કુલ રોડ, ભકિતનગર સ્ટેશન પ્લોટ, સત્ય વિજય આઈસ્ક્રીમ પાસેથી બોમ્બે હોટલ ત્યાથી સૂર્યકાંત હોટલથી લોધાવાડ ચોક, ભૂતખાના ચોકથી કેનાલ રોડ, ગુંદાવાડી જિલ્લા ગાર્ડનથી રામનાથ પરામાં જૂની જેલ સામેના બેઠા પૂલ પરથી ચુનારાવાડ ચોકથી પટેલવાડી, બાલક હનુમાન ચોકથી અટલ બિહારી વાજપાઈ ઓડિટોરીયમ પાસે પહોચશે. આઠ કિ.મી.ની આ જન આશિર્વાદ યાત્રામાં અલગ અલગ સમાજ દ્વારા 20 સ્થળોએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું સન્માન કરવામાં આવશે.

સવારે 10 કલાકથી 10.45 કલાક સુધી અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયમ ખાતે કેન્દ્રીય મંત્રી અને ભાજપના કાર્યકતાઓ સાથે સંવાદ યોજાશે. ત્યારબાદ 10.45 થી 11 વાગ્યા સુધી પટેલ સમાજના આગેવાનો સાથે તેઓ બેઠક યોજાશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા કેવા પ્રકારનું આયોજન અને તૈયારી કરવામાં આવ્યું છે તે માહિતીની આપલે કરવા માટે શહેરના જાણીતા તબીબો સાથે તેઓ એક મહત્વપૂર્ણ બેઠક યોજશે. બપોરે 12 વાગ્યે તેઓની રાજકોટ શહેરમાં જન આશિર્વાદ યાત્રાની વિધિવત પૂર્ણાહુતી થશે.

અને જિલ્લામાં યાત્રાનો દોર શરૂ થશે બપોરે 12 કલાકે જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા ગોંડલ રોડ ચોકડી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ આ યાત્રા ગોંડલ તરફ પ્રસ્થાન કરશે. ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે એક જાહેરસભા યોજાશે ત્યારબાદ વિરપૂરમાં જલારામ બાપાના મંદિરે દર્શન કરશે. બપોરે 1.30 કલાકે ખોડલધામ ખાતે ર્માં ખોડીયારના દર્શન કરી ધ્વજારોહણ કરશે જયાં આરોગ્ય મંત્રીની ચાંદી તુલા કરવામા આવશે. અને તેઓ એક પત્રકાર પરિષદને પણ સંબોધશે. બપોરનું ભોજન પણ તેઓ ખોડલધામ ખાતે જ લેશે.

બપોરે 3.45 કલાકે જેતપૂર ખાતે સભા યોજાશે અને લેઉવા પટેલના આગેવાનો સાથે બેઠક યોજાશે.સાંજે 5 કલાકે ધોરાજી રોડ પર સ્વાગત કરવામાં આવશે અને ધોરાજીમાં પણ સભા યોજાશે. આ ઉપરાંત ઉપલેટા ખાતે પણ સભા યોજાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા કાલે રાજકોટ શહેર અને જિલ્લામાં જન આશિર્વાદ યાત્રા દરમિયાન સતત વ્યસ્ત રહેશે. કેન્દ્ર સરકારમાં તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણમાં મનસુખભાઇ માંડવીયા અને પરસોતમભાઇ રૂપાલાને પ્રમોશન આપી તેમને કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે જયારે ગુજરાતના અન્ય ત્રણ સાંસદ દેવુસિંહ ચૌહાણ, દર્શનાબેન જરદોશ અને ડો. મહેન્દ્ર મુંજપરાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ પાંચેય મંત્રીઓ દ્વારા છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં જન આશિર્વાદ યાત્રા યોજવામાં આવી રહી છે અને લોકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને ઉપલબ્ધીઓ વિશે માહિતગાર કરાય રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.