- એઇમ્સ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધા બાદ નડ્ડાએ આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે પત્રકારોને સંબોધ્યા
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ મોદી સરકારની ત્રીજી ટર્મમાં આરોગ્ય પ્રધાન પદે શપથ લીધા બાદ આજે પ્રથમવાર રાજકોટની એઇમ્સ હોસ્પિટલની સમીક્ષા કરી હતી.
Rajkot : રાજકોટ ખાતે તિરંગા યાત્રામાં હાજર રહેનાર કેન્દ્રીય આરોગ્ય પ્રધાન કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ એઇમ્સ હોસ્પિટલની સમીક્ષા અર્થે પહોંચ્યા હતા. જેમની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના રાજકીય આગેવાનો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જય પ્રકાશ નડ્ડાએ એઇમ્સ હોસ્પિટલ ખાતે ચાલતા મોટા ભાગના વિભાગોની મુલાકાત લીધી હતો. એઇમ્સ હોસ્પિટલના ડાયરેકટર પણ તેમની સાથે હાજર રહ્યા હતા. એઇમ્સ હોસ્પિટલ ખાતે જે પી નડ્ડાનું ભારતીય પરંપરા અનુસાર તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તદ્દન રાહત દરે ખાનગી હોસ્પિટલથી પણ સારી સારવાર મળી રહે તેવા આશયથી વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન એઇમ્સ હોસ્પિટલનું રાજકોટ ખાતે ગત ફેબ્રુઆરી માસમાં વડાપ્રધાનના હસ્તે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજકોટની એઇમ્સ ગુજરાતમાં સૌપ્રથમ એઇમ્સ હોસ્પિટલ છે, જે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં આરોગ્ય સંભાળમાં પરિવર્તનરૂપી પગલું છે. આ પહેલો સુલભ વિશ્વ-કક્ષાની આરોગ્યસંભાળ, સામાજિક-આર્થિક સશક્તિકરણ અને સર્વસમાવેશક વૃદ્ધિ સાથે નવા ભારત માટેના વડા પ્રધાન મોદીના વિઝનનો મુખ્ય ભાગ છે.
રાજકોટ એઈમ્સમાં વર્ષ 2021ના ડિસેમ્બર મહિનાથી હોસ્પિટલ ખાતે 50 બેડની સુવિધા સાથે ઓપીડી સેવા શરૂ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે માત્ર 3 દર્દીએ સારવાર લીધી હતી. આ પછી બીજા દિવસે 5 દર્દીએ સારવાર લીધી હતી. ધીમે ધીમે સુવિધામાં વધારો કરવામાં આવતા અને લોકો સુધી માહિતી પહોંચતા બે વર્ષમાં ઘઙઉ સેવામાં દરરોજ 500થી 600 દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે.
ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટના જામનગર રોડ પર પરાપીપળિયા ગામ નજીક 200 એકર જેટલી વિશાળ જગ્યામાં 1200 કરોડથી વધુના ખર્ચે આકાર લઈ રહી છે. છેલ્લાં 2 વર્ષથી રાજકોટ એઇમ્સમાં 50 બેડની સુવિધા સાથે ઘઙઉ સેવા કાર્યરત છે. જેમાં 3 દર્દીથી શરૂ થયેલી ઓપીડી આજે રોજના 500થી 600 દર્દીની સારવાર કરે છે. અહીંયાં સારવાર લેવા આવતા દર્દીઓ પણ કહે છે કે, ખાનગી હોસ્પિટલ કરતાં પણ સારી સુવિધા માત્ર 10 રૂપિયામાં મળી રહે છે.
જે પી નડ્ડાએ એઇમ્સ હોસ્પિટલમાં કાર્યરત તમામ વિભાગોની મુલાકાત લઈને વિગતો મેળવી હતી. ઉપરાંત આરોગ્ય પ્રધાને આ તકે પત્રકારોને સંબોધી એઇમ્સ હોસ્પિટલમાં આગામી સમયમાં સવલતોમાં કરવામાં આવનાર વધારો તેમજ આરોગ્ય સેવા અંગે માહિતી આપી હતી.