હું ભાગ્યશાળી છું કે મને પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળી : મનસુખ માંડવીયા
મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાએ વિવિધ મુદાઓ પર કરી વિસ્તૃત ચર્ચા
દરેક ભારતીયોના ડીએનએમાં ભગવાન રામનો વસવાટ
વડાપ્રધાન મોદીના પ્રકલ્પોને લોકોએ સ્વીકાર્યું ભાજપ 370 પ્લસજ્યારે એનડીએ 400 પ્લસ બેઠક મેળવશે તેવો આશાવાદ
કોરોના કાળમાં કરવામાં આવેલી કામગીરીને વિશ્વ આખાએ બિરદાવી
ભારત દેશ માટે સ્વાસ્થ્ય ક્ષેત્ર કોમર્સ નહિ પરંતુ તે એક સેવાનું ક્ષેત્ર છે
વિકસિત ભારતના પ્રકલ્પને સાકાર કરવા વડાપ્રધાન મોદીએ 100 દિવસનો એજન્ડા પણ નિર્ધારિત કરી અધિકારીઓને કામગીરી સોંપી
કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવીયા બન્યા અબતકના મોંઘેરા મહેમાન
પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયા અબતક પરિવારના મહેમાન બન્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી માં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં તેઓએ પ્રભારી તરીકે કાર્ય કર્યું છે અને તેમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે વડાપ્રધાન મોદીના લક્ષ્ય અને તેની નેમ ને લોકોએ ખૂબ સારી રીતે સ્વીકારી છે. વધુમાં મનસુખભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં હાલ વડાપ્રધાન મોદીની પ્રશંસા થઈ રહી છે એટલું જ નહીં દક્ષિણના રાજ્યોમાં પણ ભાજપને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે તામિલનાડુમાં ચારથી પાંચ બેઠકો ભાજપને મળે તેવો પૂર્ણ આશાવાદ છે. રામ મંદિર નિર્માણ ના પાવન પ્રસંગે સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો અને જે સમયે ભગવાન રામ લંકાથી પરત આવ્યા અને તેઓનો રાજ્ય અભિષેક બાદ જે દિવાળી ઉજવવામાં આવી હતી તેવું દિવ્ય દ્રશ્ય સમગ્ર ભારતમાં જોવા મળ્યું હતું. સાથો સાથ તેઓએ જણાવ્યું હતું કે દરેક ભારતીય ના ડીએનએમાં ભગવાન રામનો વાસ છે. મનસુખભાઈ માંડવીયા આરોગ્ય ક્ષેત્રે પણ થયેલ કામગીરી અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે કોરોનાના કપરા સમયમાં ભારતે જે લડાઈ લડી છે અને જે કોવીડ મેનેજમેન્ટ કર્યું છે તેની સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે. તેઓએ ઉમેર્યું હતું કે ભારતમાં કોરોના નો પ્રવેશ પણ નતો થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રુપ ઓફ મિનિસ્ટર નો એક સમૂહ બનાવ્યો હતો અને વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરી કામગીરીની અમલવારી શરૂ કરી દીધી હતી અને પરિણામ સ્વરૂપે ભારત કોરોના ના કપરા સમયમાંથી પણ સુપેરે પાર પડી શક્યું .
એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે વિશ્વની વિકસિત કંપનીઓ કોરોના રસી નો જથ્થો સંગ્રહ કરી રહી હતી ત્યારે ભારતે વિશ્વને કોવિડ રસીના ડોઝ આપ્યા હતા. સ્વીઝરલેન્ડના દાઓસમાં જ્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક યોજવામાં આવી ત્યારે વિશ્વના ખ્યાતના ઉદ્યોગકારો બૌદ્ધિક લોકો સહિત ટોચની સંસ્થાઓ હાજર રહી હતી અને તેમાં પણ વિશ્વના ધનિક બિલ ગેટસે પણ ભારતની કોરોના કાર્ડ દરમિયાન કરેલી કામગીરીને બિરદાવી હતી. મનસુખભાઈ માંડવીયા અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભારત માટે હેલ્થ એ કોઈ વાણિજ્ય નહીં પરંતુ એક સેવા છે. અને આ સેવાના પ્રકલ્પને જ ધ્યાને લઈ વિશ્વના ટોચના દેશો જેવા કે અમેરિકા, જર્મની, ઇટાલી, બ્રાઝિલ દ્વારા રસી માંગવામાં આવી હતી. આ તમામ સિદ્ધિઓ ને અનુલક્ષી જ હાલ ભારત સાત ટકાના ગ્રોથથી આગળ વધી રહ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે હાલ સમગ્ર વિશ્વ ભારત સાથે જોડાવા છે અને ભારત દ્વારા નિર્મિત વસ્તુઓ પણ મેળવવા માંગે છે ભલે પછી તેનો ભાવ ખૂબ વધુ હોય. પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડવા અંગે તેઓએ જણાવ્યું હતું કે તેઓ ભાગ્યશાળી છે કે તેમને પોરબંદર બેઠક ઉપર ચૂંટણી લડવા ભાજપ એ પસંદ કર્યા છે. કારણ કે તેઓ મહાત્મા ગાંધીના વિચારોથી અનહદ પ્રભાવિત છે અને તે દિશામાં જ તેઓ કાર્ય કરી રહ્યા છે.
પોરબંદર અને રાજકોટ પ્રવાસ અંગે તેઓએ જણાવ્યું હતું કે જ્યારે ગંઠીલા થી જેતપુર અને જેતપુર થી વિરપુર પહોંચ્યા તે સમય દરમિયાન સ્થાનિકોનો જે પ્રતિસાદ મળ્યો અને જે રીતે સન્માન કરવામાં આવ્યું તેનો સંપૂર્ણશ્રય વડાપ્રધાનને જાય છે કારણ કે તેઓને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને સ્થાનિકતર પર વિકાસ કરશે. તેઓ જણાવ્યું હતું કે વીરપુર થી તેઓ ખોડલધામ ખાતે પદયાત્રા કરી પહોંચ્યા હતા જ્યાં તેમનું વિશેષ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી પરિણામને લઈ તેઓએ જણાવ્યું હતું કે જનતા જનાર્જનનો વિશ્વાસ સૂચવે છે કે ભાજપ 370 થી વધુ બેઠકો જ્યારે એનડીએ 400 થી વધુ બેઠકો પ્રાપ્ત કરશે.
પોરબંદર બેઠકને અનુલક્ષી તેઓએ જણાવ્યું હતું કે જ્યારે વિપક્ષ નામે કોઈ ન હોય ત્યારે જે તે ભાજપના ઉમેદવારની જવાબદારી ખૂબ વધી જાય છે. સાથો સાથ તેઓએ જણાવ્યું હતું કે તેઓ લોકો સુધી પહોંચી સરકારના દસ વર્ષના કામોની યાદી મૂકશે. સાથો સાથ તેઓએ આશાવાદ અને ભરોસો પણ વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ ચૂંટણીના પરિણામ પહેલા જ 100 દિવસના કામોની યાદી અને એજન્ડા તૈયાર કરી લીધો છે અને તેની કામગીરી પણ અધિકારીઓને સોંપી દેવામાં આવી છે. હાલ વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર આગામી 25 વર્ષના રોડ મેપ મેં અનુલક્ષી કાર્ય કરી રહી છે અને વિકસિત ભારત બનાવવા માટે પ્રયત્નો પણ કરી રહી છે. અંતમાં તેઓએ ઉમેર્યું હતું કે આ અમૃત કાળનું પ્રથમ ઇલેક્શન છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે ડો.મનસુખભાઈ માંડવિયાની કામગીરી ખરેખર સરાહનીય રહી છે. છેલ્લી બે ટર્મથી તેઓ રાજ્યસભાના સાંસદ હતા દરમિયાન સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા આ વખતે તેઓને સૌરાષ્ટ્રની પોરબંદર બેઠક પરથી ટિકિટ આપી લોકસભાની ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે.પ્રથમ યાદીમાં જે 195 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ડો. માંડવીયાનો પણ સમાવેશ થાય છે. પોરબંદર લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર થયાના બીજા જ સપ્તાહથી તેઓએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરૂ કરી દીધા હતા. ગત શુક્રવાર અને શનિવારે તેઓ પોરબંદર લોકસભા બેઠકમાં સમાવેશ અલગ અલગ વિધાનસભા બેઠકોમાં પ્રચાર માટે આવ્યા હતા. તમામ ગામોના આગેવાનોએ તેઓને હોંશભેર આવકારી લીધા હતા. કાગવડથી ખોડલધામ મંદિર સુધી તેઓએ પદયાત્રા પણ યોજી હતી.
“અબતક” ની શુભેચ્છા મુલાકાત દરમિયાન તેઓએ માત્ર પોરબંદર બેઠક જ નહીં ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો પાંચ લાખ કે તેથી વધુ મતોની લીડ સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જે ગેરંટી આપે છે તે પૂરી થવાની પણ ગેરંટી હોય છે પ્રજાના આજ વિશ્વાસના આધારે કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભાજપ પ્રેરિત એનડીએની સરકાર બનશે તેઓ તેમને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે ડો.મનસુખ માંડવીયાએ કોરોનાકાળમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી. જેની નોંધ માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરના દેશોએ દીધી હતી. વેક્સિનેશન સહિતની કામગીરીમાં તેઓ ખૂબ જ સક્રિય રહ્યા હતા. વડાપ્રધાનની ગુડ બુકમાં પણ તેઓ સ્થાન ધરાવે છે. “અબતક” ની મુલાકાત દરમિયાન તેઓએ વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.
વિશ્વનો ભારત પર અતૂટ ભરોષો: મનસુખભાઈ માંડવીયા
હાલ વિશ્વ ફલક ઉપર ભારત પોતાનું આધિપત્ય સ્થાપિત કરી રહ્યું છે ત્યારે વિશ્વના દેશો ચાઇના નહીં પરંતુ ભારત ઉપર ભરોસો રાખી રહ્યા છે અને પરિણામ સ્વરૂપે ભારતને વ્યાપાર વૃદ્ધિમાં પણ વધારો થયો છે.
તેઓ ઉમેર્યું હતું કે ભારત દેશ કોમર્શિયલ નહીં પરંતુ સેવાના હેતુથી વિશ્વના દેશો સાથે સંબંધ રાખે છે અને તેના ભાગરૂપે કોરોનાના કપરા સમયમાં પણ ભારતે રસી નો ભાવ વધાર્યો ન હતો.
લોકો સુધી કેન્દ્ર સરકારના દસ વર્ષના વિકાસ કામોની યાદી પહોંચાડવામાં આવશે
લોકસભા ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપે તેના 195 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી દીધી છે ત્યારે પોરબંદર બેઠક પરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ચૂંટણી લડશે જેના ભાગરૂપે તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કરેલા દસ વર્ષના વિકાસ કામોની યાદી લોકો સુધી લઈ જવામાં આવશે અને જે યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચ્યો નથી તે પણ ઝડપભેર તેઓને મળે તે માટેની એક વ્યવસ્થા પણ ગોઠવાશે. પોરબંદર બેઠકના લોકો દ્વારા જે આવકાર મળ્યો છે તે અકલ્પનીય છે કારણ કે તેઓને ભરોસો છે કે વિકાસ માત્ર ભાજપ જ કરી શકે.