વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિત 17 સ્થળોએ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પણ યોગ કર્યા હતા. આ પ્રસંગે પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતની સરકાર સ્થિર છે. મુખ્યમંત્રી તરીકે મારા નામની ચર્ચા માત્ર ઇરાદા પૂર્વકનું ગતકડું છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજીત યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વને જોડવાના સ્વબળ માધ્યમ તરીકે સમગ્ર વિશ્વમાં ભારતીય યોગ પરંપરાનો સ્વિકાર થઇ રહ્યો છે. તે માટે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ખેડૂતોને પ્રધાન મંત્રી પાક વિમા યોજનાના મળવા પાત્ર લાભ આગામી ટૂંક સમયમાં મળતા થઇ જશે.
આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સવારે 6-30 કલાકે આયોજીત યોગ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મેયર ડો. જીગીશાબહેન શેઠ, સાંસદ રંજનબહેન ભટ્ટ, મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ, ડેપ્યુટી મેયર ડો. જીવરાજ ચૌહાણ, સ્થાયી સમિતી અધ્યક્ષ સતીષ પટેલ, ધારાસભ્યો, કાઉન્સિલરો, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. આજે વિશ્વ યોગ દિવસે વડોદરા શહેર-જિલ્લામાં 6 લાખ જેટલા લોકોએ યોગ કર્યા છે.