દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા દિવસથી શરૂ થયેલો વરસાદ રોજ અવિરત ચાલુ રહેલ છે. ગઇકાલે દ્વારકામાં 10 મીલી, કલ્યાણપુરમાં 35 મીલી તથા ભાણવડમાં ત્રણ મીલી વરસાદ પડ્યો હતો, જ્યારે ખંભાળીયામાં શહેરમાં કંઇ પડ્યો ન હતો. ગઇકાલે ખંભાળિયામાં તથા આસપાસના ગામો તથા ભાણવડ રોડ પરના ગામો તથા કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી બે ઇંચ જેટલો વ્યાપક વરસાદ પડ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદને કારણે ઢગલાબંધ ડેમોમાં પાણી આવ્યું છે તો અનેક તળાવો ચેકડેમો ઓવર ફ્લો થઇ ગયા છે તો ખેડૂતોના ખેતરોમાં કૂવા, વાવ, બોર પણ પાણીથી ભરપૂર થઇ ગયા છે. આજે સવારથી ખંભાળીયા તથા કલ્યાણપુરમાં હળવો વરસાદ શરૂ થયો હતો તથા સવારે આઠથી દસ મીલી વરસાદ નોંધાયો હતો.
ખંભાળીયા તાલુકાના બાટા ગામ પાસે પાણીનું પુર તથા વરસાદ કાલે હોય નદીના પ્રવાહમાંથી નિકળવા જતાં પાંચ ગાયો પાણીના પ્રવાહમાં તણાઇ હતી. જો કે, આ તણાયેલી ગાયો આગળ જતા થોડે આગળ પાણી ઓછું હોય તરીને બહાર નીકળી જતા બચી ગયાનું ટીડીઓ ખંભાળીયા ઇકબાલ શેખે જણાવ્યું હતું.
જામ કલ્યાણપુરના રાવલ પાસે સાની ડેમ ખુલ્લો હોય હેઠવાસ ખેતરો તળાવોમાં ફેરવાયા !!
દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો જામરાવલ પાસેનો સાની ડેમ કરોડો રૂપિયાના ખર્ચે બનવા માટે કોન્ટ્રાક્ટ આપેલો પણ આ કોન્ટ્રાક્ટર ભાગી જતા નવો કોન્ટ્રાક્ટ આપવાનું ચાલુ છે ત્યારે તમામ દરવાજા નવા બનાવવાના હોય ખુલ્યા હોય ઉપરવાસ વરસાદના પૂર આવતા દરવાજા ખૂલ્લા હોય પાણી નીકળી જતાં રાવલ પાસેના ખેતરો જળ બંબાકાર અને તળાવોની સ્થિતિમાં ફેરવાઇ ગયા છે.
ખૂબ જ વિશાળ પાણીની ક્ષમતા વાળા સાની ડેમમાંથી છેક ઓખા સુધી પાણી પહોંચતું હતું પણ હાલ ડેમ નવો બનવામાં દરવાજા ખૂલ્યા હોય પાણીનો સંગ્રહ ના થતાં પાણી વેડફાઇ છે તથા ખેડૂતોના ખેતરો ચિક્કાર ભરાતા પાકને નુકશાન પણ થાય છે.