વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો રોકવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.જેને લઈને જીવનજરૂરી સિવાય તમામ ધંધા-રોજગાર બંધ છે. જેને લઈને શહેરમાં પણ રોજનું કરીને રોજનું ખાતા હજારો લોકોને ધંધા-રોજગાર છીનવાઈ જવાથી ભૂખ્યા સૂવું પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. લોકડાઉનના આવા કપરા સમયમાં વોર્ડ નં.૯ના જાગૃત કોર્પોરેટર શિલ્પાબેન જાવીયા અને તેમના પતિ આગેવાન દિનેશભાઇ જાવીયા સતત લોકોની સેવાર્થે દોટતા રહ્યા છે.શહેરના આવા ભૂખ્યા પરિવારો માટે દરરોજ કઢી-ખીચડી, વેજીટેબલ પુલાવ- પૌવા-બટેટા સહિતના વસ્તુના સેંકડો પેકેટો તૈયાર કરાવીને શહેરના અનેક ઝુંપડીપટ્ટી વિસ્તારોમાં જઈને સ્વંયસેવકો સાથે જઈને જરૂરિયાતમંદ પરિવારોને વિતરીત કરી રહ્યા છે.
તાજેતરમાં શહેર ભાજપ દ્વારા લોકોમાં માસ્ક પહેરવા જાગૃતિ આવે તે માટે જરૂરીયાતમંદોને વોર્ડવાઈઝ માસ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ઉત્સાહભેર ભાગ લઈને શિલ્પાબેને તેમના વોર્ડના દરેક વિસ્તારોમાં ફરી વળીને જરૂરિયાતમંદોને માસ્કનું નિ:શુલ્ક વિતરણ કરીને લોકોને માસ્ક પહેરવાના લાભો સમજાવ્યા હતા. માત્ર એટલું જ નહીં શિલ્પાબેને પોતાના વોર્ડના જરીરુયાતમંદ પરિવારો માટે ૧૫ દિવસ ચાલે તેવી જીવનજરૂરી ચીજવસ્તુઓની રાશનકિટો તૈયાર કરાવીને સેંકડો જરૂરિયાતમંદ પરિવારોને વિતરિત કરી છે. વોર્ડવાસીઓ પણ તેમના કોર્પોરેટરની આવા કપરા સમયમાં નિ:સ્વાર્થ ભાવની સેવાને જોઈને ગદગદિત થઈને આશીર્વચન પાઠવી રહ્યા છે.