હિતેશ રાવલ, સાબરકાંઠા: આજ રોજ સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજી વર્ષ 2021-22ના જિલ્લા સ્તરીય આંગણવાડીના 3થી 6 વર્ષના બાળકોના ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ અનેક મહત્વની જાહેરાત કરી હતી. વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું કે હવેથી રાજ્યની તમામ આંગણવાડીઓ નંદ ઘર તરીકે ઓળખવામાં આવશે સાથે જ 3થી 6 વર્ષના 14 લાખ બાળકોને ગણવેશ વિતરણ કરાયા હતા
ત્યારે સાબરકાંઠામાં ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગુજરાત રાજય દ્વારા આંગણવાડીના ૩-૬ વર્ષના ૧૪ લાખ બાળકો માટે ગણવેશ વિતરણનો કાર્યક્રમ ડીઝીટલ માધ્યમથી યોજાયો હતો. રાજયકક્ષાના અભિયાનને સીએમ રૂપાણી, વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા તથા રાજયકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી વિભાવરી બહેન દવે અને વિભાગના ઉચ્ચ અધિકારીની ઉપસ્થિતમાં ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, પોળો હોલ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે રાજયસભાના સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઇ પટેલ, ઇડરના ધારાસભ્યશ હિતુભાઇ કનોડીયા, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી યતિનબેન મોદી, જિલ્લાના મહિલા અને બાળ યુવા પ્રવૃતિ સમિતિના ચેરમેન શ્રીમતી રેખાબેન ઝાલા, નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી નિતિન સંગવાન, અધિક કલેકટર એચ.આર.મોદી આંગણવાડી વર્કર, સીડીપીઓ, અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતમાં ૬ બાળકોને બે જોડી ગણવેશ તથા હાઇજીન કીટ આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.બાળકો દ્વારા દોરેલા આકર્ષક ચિત્રોની ફોટોફ્રેમ તૈયાર કરવામાં આવી હતી તે જેના દ્વારા ICDSની બહેનો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાજય કક્ષાએથી પ્રસારીત પ્રસારણને નિહાળ્યું હતું.
સહકાર, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અને જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વરસિંહ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે આજના આંગણવાડીના બાળકો એ આપણું આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે. આ ભૂલકાઓને તંદુરસ્ત રાખવાના મુખ્યમંત્રીના સંવેદનશીલ અભિયાનને બિરદાવી તંદુરસ્ત બાળ-તંદુરસ્ત સમાજ માટે દેશમાં ગુજરાત આગવું રાજય છે. અને દેશમાં પહેલ કરનાર પ્રથમ રાજય છે. બાળકના જન્મથી લઇને ઉછેર સુધીની રાજય સરકારે અનેક વિવિધ યોજના બનાવી છે. એટલું જ નહીં સગર્ભા માતાઓ, કિશોરીઓ બહેનો માટે પણ વિવિધ યોજના થકી સર્વાગી વિકાસ કર્યો છે. રાજયના ૩-૬ વર્ષના ૧૪ લાખ બાળકોને બે જોડી ગણવેશ આપીને ભૂલકાઓનું ગૌરવ અને આત્મવિશ્વાસ વધાર્યો છે. તે અંતર્ગત આજે રાજ્યના ૫૩ હજાર બાળકોને પણ યુનિફોર્મનો લાભ મળવાનો છે.
તેમની તંદુરસ્તીની ચિંતા સરકાર કરે છે વિધવા બહેનોને આર્થિક સહાય તેમજ અનાજ વિતરણની વ્યવસ્થા પણ અમલી બનાવી છે. આંગણવાડીમાં અપાતો નાસ્તો કુપોષણને નાથવામાં સહાયરૂપ બનશે. વાલી દીકરી યોજના શરૂ કરીને ભણતર સાથે ડ્રોપ આઉટ રેશીયો ઘટે તેવા સઘન પ્રયાસો કર્યા છે. છેવાડાના માનવી સુધી સૌને લાભ પહોંચે તેવા પ્રયાસો કરવા આંગણવાડીની બહેનોને પણ અપીલ કરી હતી. અને ICDSની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.