વડાપ્રધાન સાથેના સંસ્મરણો વાગોળતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રુપ પ્રેસીડેન્ટ અને સાંસદ પરિમલ નથવાણી

વડા પ્રધાન  નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે આયુષ્યના અમૃત મહોત્સવ તરફ ગતિ કરી રહ્યા છે તે આપણા સૌ માટે એક શુભ ઘડી છે. તેઓ ૨૦૦૧માં કચ્છના વિનાશક ધરતીકંપ બાદ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા અને વર્ષ ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા તેના ઘણા સમય પહેલાંથી હું તેમના પરિચયમાં હતો તે મારૂં સદભાગ્ય છે અને ગૌરવ પણ. હું અમદાવાદમાં તેમના દ્વારા સંપોષિત અને તેમને પ્રિય એવી વિદ્યા સંસ્થા સંસ્કારધામમાં અવારનવાર જતો અને ઘણી વાતો કરતો. તેઓ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા ત્યારે દિલ્હીમાં પણ હું તેમને ઘણી વાર મળતો.

વર્ષ ૧૯૯૨ના પ્રજાસત્તાક દિવસે નગરના લાલ ચોકમાં તત્કાલીન બીજેપી અધ્યક્ષ  મુરલી મનોહર જોષી સાથે તિરંગો ફરકાવવામાં  નરેન્દ્ર મોદી પણ હતા. આતંકવાદીઓની ધાક-ધમકી અને દહેશતના માહોલમાં તેમની આ હિમ્મતપૂર્ણ દેશભક્તિસભર ભાવનાનાં દર્શન ત્યારે થયાં. તે એક જબર્દસ્ત ઐતિહાસિક ઘડી હતી.

જ્યારે તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેની કમાન સંભાળી ત્યારે વિનાશકારી ધરતીકંપમાંથી કચ્છને બેઠું કરવાની તેમની પ્રાથમિકતા હતી. કચ્છનું પુન:નિર્માણ કરી તેને સમૃદ્ધ અને વિકસિત ક્ષેત્ર તરીકે તેમણે પુન:સ્થાપિત કર્યું. રણોત્સવ, રાજ્યના કચ્છ સહિતના તરસ્યા વિસ્તારો સુધી નર્મદાનું પાણી પહોંચતું કરવું, ખેડૂતો માટે અબાધિત વીજ પૂરવઠો, પ્રવાસન, ક્ધયા શાળા પ્રવેશોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ અને ગુજરાતને મૂડી રોકાણ માટેનું વૈશ્વિક ગંતવ્ય કેન્દ્ર બનાવવાને લગતાં તેમનાં પગલાંઓને લીધે ગુજરાત રાતોરાત ખૂબ પ્રસિદ્ધ બની ગયું.

મુખ્યમંત્રી તરીકે  નરેન્દ્ર મોદીએ ગુજરાતના સામર્થ્ય અને સંભાવનાઓનું વિદેશમાં એવું ખૂબીપૂર્વક માર્કેટિંગ કર્યું કે વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગતો થયો અને તેમનું નામ પણ એક વૈશ્વિક નેતા કરીકે ગાજતું થયું. વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક શિખર પરિષદોના રોડ શો માટે મારે તેમની સાથે રશિયા, અસ્ત્રાખાન, ચીન, જાપાન, સ્વિટ્ઝરર્લેન્ડ, દક્ષિણ કોરિયા, યુગાન્ડા, કેન્ચા વિગેરે દેશોમાં પ્રવાસે જવાનું થયું હતું. ઘણા દેશોમાં તેમનું એવું સન્માન, સ્વાગત અને અભિવાદન થતું જોયું કે જે સામાન્ય રીતે કોઇ દેશના વડાનું થતું હોય! હું તેનો સાક્ષી છું. તેમનામાં ત્યારે પણ રાજદ્વારી વિદેશી સંબંધો માટેની જબરી કોઠાસૂઝ જોવા મળતી.

જુલાઇ ૨૦૦૨માં રિલાયન્સના અમારા સ્થાપક અધ્યક્ષ ધીરૂભાઇ અંબાણીના અવસાનના સમાચાર સમગ્ર કોર્પોરેટ જગત માટે આઘાતજનક હતા.  નરેન્દ્રભાઇએ મુખ્યમંત્રી તરીકે સૌ ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ, ગણમાન્ય મહાનુભાવો વિગેરેની ઉપસ્થિતિમાં એક વિશેષ પ્રાર્થના સભા યોજી અને ગુજરાતની ધરતીના પુત્ર  ધીરૂભાઇ અંબાણીને શોકાંજલિ અર્પિત કરી. તે ક્ષણથી પણ  નરેન્દ્રભાઇ મોદી માટેનું મારૂં માન, મારી પ્રશંસા અને મારી શ્રદ્ધામાં અનેક ઘણો વધારો થઇ ગયો.

એક વાર ચેન્નાઇમાં તેઓ એક સમારંભને સંબોધવાના હતા. હું પણ તેમાં હતો. તેમણે મને મંચ પરથી જોયો. મારી તરફ સંકેત કરીને તેમણે મારી ઓળખાણ ગુજરાતના મિત્ર  તથા ઝારખંડના સાંસદ તરીકે કરાવી. તેમના આ સૌજન્યને હું કદાપિ ન ભૂલી શકું!

જ્યારે વર્ષ ૨૦૦૮માં મેં ઝારખંડથી રાજ્ય સભાની ચૂંડણી લડવાનું નક્કી કર્યું ત્યારે હું તેમના આશીર્વાદ લેવા ગયો હતો. તેમણે મને ખૂબ સારૂં માર્ગદર્શન આપ્યું. તેમણે એવા નિષ્ણાત તજજ્ઞોનો મને મેળ કરાવી આપ્યો જેમણે રાજ્ય સભાની ચૂંટણીમાં એકડા અને બગડાના મતોની  આંટીઘૂંટીની સમજ મને આપી જે એક સશક્ત અને મજબૂત પ્રતિદ્વંદીને પરાસ્ત કરવામાં મને ખૂબ ઉપયોગી નીવડ્યું. તે વખતે મારૂં પરિણામ ખૂબ મોડી સાંજે જાહેર થયું હતું. તેમને ચિંતા થતી હતી. તેમણે તપાસ કરાવી કે બધુ બરોબર તો છે ને! તેમની જિજ્ઞાસા પાછળ મારી કાળજી લેવાની તેમની સદાશયતા અને શુભભાવનાને મારાથી વધુ કોણ સારી રીતે સમજી શકે!

એક મુખ્ય મંત્રી તરીકે તેમના પર ધુંઆધાર જે રીતે આરોપો-પ્રત્યારોપો અને હુમલાઓનો મારો ચલાવવામાં આવ્યો હતો તે સંજોગોમાં કોઇપણ કાચો-પોચો માણસ તો ટકી જ ન શકે અને હારીને હથિયાર હેઠાં મૂકી દે. કેટલી ન્યાયિક તપાસ!  કેટલા કેસો! સિટ ની તપાસનો સામનો! પરંતુ તેમણે આ તમામ પ્રતિકૂળતાઓ સામે જબરી ઝીંક ઝીલી. રાજકીય રીતે તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો થયા. પણ લગીરેય વિચલિત થયા વિના પોતાનો દ્રઢ આત્મ વિશ્વાસ જાળવી રાખ્યો. તેઓ કહેતા કે મુખ્ય મંત્રી તરીકે હુ જ્યોતિ બસુનો રેકોર્ડ તોડવા માગું છું! જો કે ગુજરાત માટે તો તે સૌથી વધુ દીર્ઘકાલીન, ઑક્ટોબર ૨૦૦૧થી સતત ૧૩ વર્ષ મુખ્ય મંત્રી રહ્યા જ. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી દરમ્યાન પણ વડા પ્રધાન બનવા માટેનો તેમનો આત્મ વિશ્વાસ એટલો જ દ્રઢ અને મજબૂત હતો.

વડા પ્રધાન તરીકે તેમની મેક ઇન ઇન્ડિયા અને ડિજીટલ ઇન્ડિયા વિચારધારાઓએ રિલાયન્સના અમારા અધ્યક્ષ  મૂકેશભાઇ અંબાણીને ખૂબ પ્રભાવિત કર્યા હતા. અમારી જામનગર સંકુલ પરિયોજનામાં મેક ઇન ઇન્ડિયા પ્રતિબિબિંત થાય છે. જિઓ આખા દેશના લોકોને એક મેકથી જોડતું એક મોટું પ્લેટફોર્મ બન્યું છે. તે રીતે વડા પ્રધાનનું ડિજીટલ ઇન્ડિયા સ્વપ્ન ચરિતાર્થ થઇ રહ્યું છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે  નરેન્દ્ર મોદીનું મોટેરાને દુનિયાનું મોટામાં મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું સ્વપ્ન હતું. વડા પ્રધાન બન્યા બાદ તેમણે  અમિતભાઇ શાહ અને મને તેમના આ સ્વપ્નને વાસ્તવિક સ્વરૂપ આપવાનું ભગીરથ કાર્ય સોંપ્યું. આ વર્ષના પ્રારંભે જ્યારે તેઓ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઇને એક લાખથી વધુ પ્રેક્ષકો વચ્ચે વિશાળ સ્ટેડિયમમાં લઇ આવ્યા ત્યારે  નરેન્દ્રભાઇના ચહેરા પરની ચમક અને સંતોષ ઝળકતો મેં જોયો હતો.

હું જ્યારે ૨૦૧૪માં બીજી વાર સાંસદ બન્યો ત્યારે તેમની હાજરીમાં સોગંદ લેવાનું મને મન હતું. બન્યું પણ તેમ જ! રાજ્ય સભાની આગલી હરોળમાં વડા પ્રધાન બેઠા હતા તે પશ્વાદ્ ભૂમિ વચ્ચે હું સોગંદ લેતો હોંઉ તે ચિત્ર મારા જીવનની અવિસ્મરણીય ક્ષણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.