જામનગરના આંગણે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના પરિવારના યજમાનપદે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના પાંચમા દિવસે લોકડાયરાના રાત્રી કાર્યક્રમમાં અનેક રેકોર્ડ સર્જાયા હતા, અને જામનગર શહેર માટે ઐતિહાસિક-અદ્ભુત અને અવિસ્મરણીય લોકડાયરા તેમજ દાંડિયારાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો, અને યજમાન જાડેજા પરિવાર તેમ જ જામનગરની જનતા માટે એક યાદગાર પ્રસંગ બની ગયો છે.
ગુજરાતના અતિ સુપ્રસિદ્ધ અનેક ખ્યાતનામ એવા લોક ગાયક કિર્તીદાન ગઢવી, ગરબા કવિન કિંજલ દવે, તથા લોક ગાયિકા નિશા બારોટ તેઓ દ્વારા લોકડાયરાના અને દાંડિયા રાસના રાત્રી કાર્યક્રમમાં એવી જમાવટ કરી હતી કે કથા મંડપ માં બેઠેલી એક પણ વ્યક્તિ એવી ન હતી, કે જે થનગનાટ નો અનુભવ ન કર્યો હોય. રાત્રિના સવા દસ વાગ્યે લોકગીતો નો કાર્યક્રમ શરૂ થયા હતા, અને રાત્રીના અઢી વાગ્યા સુધી જમાવટ કરી હતી. અને સતત પાંચ કલાક સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો
લોક ગાયક કિર્તીદાન ગઢવી કે જે સ્ટેજમાં પર જમાવટ કરવા માટે ખૂબ જ પ્રચલિત છે, અને તેઓના નામ પ્રમાણે ગુણ આ મંચ પરથી જોવા મળ્યા હતા. ખાસ કરીને બહેનો માટે દાંડીયારાસ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ શ્રોતાગણનો પ્રવાહ એટલો બધો હતો, કે દાંડીયારાસ માટેની જગ્યા તો ઠીક, પણ મંડપમાં પગ મૂકવાની જગ્યા પણ ક્યાંય રહી ન હોવાથી આખરે કલાકારોએ પોતે સ્ટેજ પર ઊભા રહીને ડાંડિયારાસ માટે ની જમાવટ કરી હતી, અને સર્વે કલાકારોએ સતત ત્રણ કલાક પોતાના સ્થાન પર ઉભા રહીને કાર્યક્રમ આપ્યો હતો જ્યારે તમામ શ્રોતાગણને બેઠા રહીને તાળી પાડી ને રાસ નો આનંદ લેવા માટે અપીલ કરી હતી. ખુદ ત્રણ કલાક સુધી સતત ઉભા રહ્યા અને શ્રોતાગણોને પણ ડોલાવી દીધા હતા.
ત્રણેયની કલાને નિહાળીને શહેરના અનેક વેપારીઓ, અગ્રણીઓ, યજમાન પરિવાર, અને તેમના કુટુંબીજનો રિઝયા હતા, અને નોટોનો એવો વરસાદ થયો હતો, કે જે પણ એક નવો કીર્તિમાન સ્થાપિત થયો હોય તેવું લાગી રહ્યું હતું.
દાંડીયારાસ ની જમાવટ સાથેનો આ કાર્યક્રમ જામનગર ની જનતા માટે હંમેશા યાદગાર બની રહેશે. એક તબક્કે રાજ્યભરમાંથી આવનારા મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવી પણ આયોજકોને અઘરી થઈ હતી. ઉપરાંત ઉપસ્થિત મહેમાનો શબ્દોથી સ્વાગત કરવા માટેની યાદી પણ બોલી શકાય તેટલો સમય રહ્યો ન હતો.
જેથી યજમાન ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ખુદ મંચ પર ઉપસ્થિત થયા હતા.અને સમગ્ર કથા મંડપ ઉપરાંત પ્રદર્શન ગ્રાઉન્ડ ના પરિસરમાં આવેલા સર્વે શ્રોતાગણનો શબ્દોથી આભાર માન્યો હતો. અને કોઈની આગતાસ્વાગતામાં કમી રહી ગઈ હોય તો ક્ષમા માંગી હતી.એક ક્ષણ માટે સાત રસ્તા સર્કલ થી લાલબંગલા સર્કલ સુધીનો સમગ્ર માર્ગ પેક થઈ ગયો હતો, અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્રવેશવા માટેની પણ જગ્યા બચી ન હતી. જે પણ જામનગર માટે નો ઈતિહાસ બની ગયો છે.