પાલિકાને દરજજો મળ્યાનાં ૨૪ વર્ષ બાદ પણ શહેરની સ્થિતિ ગામડા જેવી: અનેક નેતાઓ માલામાલ બની ગયા
જસદણ નગરપાલિકાનાં એક પૂર્વ પ્રમુખને ૯,૭૫,૦૦૦/-ની રીકવરી આવી હોવાનું ચર્ચામાં છે ત્યારે આ મામલે આગળ શું થાય તે આવનારો સમય જ બતાવશે. જસદણ નગરપાલિકામાં પહેલાનાં એક પ્રમુખે શહેરની તમામ મિલકતોની વેરા આકારણી કરાવી હતી. આ કામને સામાન્યસભા કે કારોબારી સમિતિમાં ઠરાવ કર્યો નહોતો અને લાખો રૂપિયા પાલિકાની તિજોરીમાંથી ચુકવી અપાયા હતા. આ મામલો પ્રાદેશિક કમિશનર પાસે પહોંચતા તેમણે જે-તે સમયનાં પ્રમુખ સામે રૂ.૯,૭૫,૦૦૦/-ની રીકવરી કાઢી હોવાનું ચર્ચામાં છે ત્યારે સોશિયલ મિડીયાની આ ચર્ચામાં જે-તે સમયનાં ચીફ ઓફિસર સામે પણ આકડા પગલા તોળાય રહ્યા હોવાનું જાણવા મળે છે. જસદણ નગરપાલિકાને હાલ ૨૪મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે પાલિકા દ્વારા એક પણ આરોગ્ય, શિક્ષણ, ફરવાલાયક કોઈ સુવિધા નથી. સાર્વજનિક પ્લોટો લાગતા વળગતાઓનાં કબજામાં છે અને આ પ્લોટમાં તેમણે પોતાની મરજી મુજબ કામો કર્યા છે અને કમાણી કરી રહ્યાં છે. આ બાબતે ચીફ ઓફિસર અને મામલતદાર મૌનીબાબા થઈ ગયા છે. શહેરમાં ચોમેર ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યાં છે. આવા તત્વોને ઘેર બેઠા ઓકેનાં સર્ટીફીકેટ મળી રહ્યાં હોવાનું ચર્ચામાં છે. જસદણમાં શૌચાલય કૌભાંડ ગટરનાં ઢાંકણા કૌભાંડ મસમોટા છે.
નાના પ્રમાણની ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને કૌભાંડોની અને નબળા તકલાદી કામો આ ઉપરાંત ભાજપનાં જ નગરસેવકો દલા તરવાડીની ભૂમિકા ભજવી વિવિધ કામો રાખતા હોવાની રાવ બે મહિના પહેલા જ ભાજપનાં ૧૦ જેટલા વર્તમાન સદસ્યોએ કરી હતી. પરંતુ આ તપાસ થઈ નથી. જોકે ભાજપનાં એક યુવા નેતાએ ૫૦ થી ૬૦ લાખ રૂપિયાનો પાણી પુરવઠા વિભાગને માલ આપ્યો હતો તે માલમાં કેટલીક મશીનરી નહીં આપી પાલિકા પાસેથી બિલો લઈ લીધા તેની તપાસ ચાલુ છે પરંતુ આ તપાસ થાય ત્યાં સુધીમાં પાલિકામાં બીજી બે ગેરરીતિ પ્રકાશમાં આવી જાય છે ત્યારે ફરિયાદ બાદ તુરંત તપાસ સજા થાય એ જ આજના સમયની માંગ છે ત્યારે જ પ્રજાના પરસેવાની રકમનાં નાણા બરબાદ થતા અટકશે.