રાજકોટવાસીઓના નસીબમાં જાણે પાણીનું સુખ લખ્યું નહિ હોય તેમ ગઈકાલે શહેરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયાના બીજા દિવસે જ શહેરના ચાર વોર્ડમાં અણધાર્યો પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે.જેના કારણે ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.
મહાપાલિકાના સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હડાળા પંપીંગ સ્ટેશનથી બેડી ખાતે આવતા નર્મદાના નીર લાઈટ ગુલ થઈ જવાના કારણે બેડીથી પંપીંગ ન થવાના કારણે રાજકોટને જરૂરિયાત મુજબ નર્મદાના નીર મળ્યા ન હોવાથી આજે શહેરના વોર્ડ નંબર 1,2,9 અને 10માં 150 ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ,છોટુનગર સહિતના વિસ્તારોમાં પાણીકાપ મૂકવાની ફરજ પડી હતી.સવારથી પાણીની રાહ જોઈ રહેલી ગૃહિણીઓને જ્યારે ખબર પડી કે નર્મદાના નીર ન મળવાના કારણે આજે પાણી નહીં આવે ત્યારે તેઓમાં નિરાશા વ્યાપી જવા પામી હતી એક તરફ વાવાઝોડાને કારણે ગઈકાલ શહેરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો બીજી તરફ આજે નર્મદાના નીરના અભાવે ચાર વોર્ડના અનેક વિસ્તારોમાં રાજકોટવાસીઓ પર પાણીકાપનો કોરડો વીંઝવામાં આવ્યો હતો.