હાર્ટ એટેકના કારણે નિધન: ઓવર વર્કઆઉટને કારણે મોત નિપજ્યાનું તારણ

અબતક, કર્ણાટક

કન્નડ ફિલ્મના લોકપ્રિય સુપરસ્ટાર પુનિત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન ૨૯ ઓક્ટોબરના રોજ હાર્ટ-અટેક આવ્યો હતો. ૪૬ વર્ષીય પુનિત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ઇન્ટેસિવ કેર યુનિટ વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહોતા. પુનિત રાજકુમાર એક્સર્સાઇઝ કરતાં કરતાં પડી ગયો હતો.

વિક્રમ હોસ્પિટલથી પુનીત રાજકુમારનો પાર્થિવદેહ ઘરે લાવવામાં આવ્યો છે. આજે પુનીતનો પાર્થિવદેહ કાંતિરાવ સ્ટેડિયમ લઈ જવામાં આવશે. અહીંયા ચાહકો પોતાના ફેવરિટ સ્ટારના અંતિમ દર્શન કરી શકશે.

પુનીત રાજકુમારના અવસાનના સમાચાર જાહેર થતાં જ મોટી સંખ્યામાં ચાહકો હોસ્પિટલ બહાર ઉમટી પડ્યા હતા. પોલીસ તથા પરિવારે ચાહકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી. ચાહકો હોસ્પિટલની બહાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

પુનિત રાજકુમારની સારવાર કરનાર ડૉક્ટર રંગનાથ નાયકે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું, પુનિત રાજકુમારને શુક્રવાર સવારે ૧૧:૩૦ વાગે છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ઘણી જ ખરાબ હતી.

પુનીતનો જન્મ ચેન્નઈમાં થયો હતો. તેમના પિતા રાજકુમાર તથા માતા પર્વથામ્મા રાજકુમાર હતા. પાંચ ભાઈ બહેનમાં પુનીત સૌથી નાનો હતો. જ્યારે તે છ વર્ષો હતો ત્યારે પરિવાર મૈસૂર આવ્યો હતો. પુનીત રાજકુમારનો મોટો ભાઈ શિવ રાજકુમાર પણ જાણીતો એક્ટર છે. ૧૯૯૯માં પુનીતે શઅવિની સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ છે.

પુનીતના વર્કફ્રન્ટની વાત કરીએ તો ૨૦૦૨થી તે ચાહકોમાં અપ્પુના નામથી લોકપ્રિય થયો હતો. ચાહકોએ તેને આ નામ આપ્યું હતું. પુનીતે ‘અભી’, ‘વીરા કન્નડિગા’, ‘અજય’, ‘અરાસુ’, ‘રામ’, ‘હુડુગારુ’ તથા ‘અનજની પુત્ર’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. પુનીત છેલ્લે ‘યુવારત્ના’માં જોવા મળ્યો હતો. ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ હતી.

પુનીતના પિતા રાજ કુમાર સાઉથ ઇન્ડિયન સિનેમાના આઇકોન હતા. તેઓ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા સ્ટાર હતા, જેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરાવમાં આવ્યા હતા. જુલાઈ, ૨૦૦૦માં ચંદન ચોર વીરપ્પને રાજકુમારનું અપહરણ કર્યું હતું. ​

પુનિત રાજકુમાર લોકપ્રિય સુપરસ્ટાર રાજકુમારનો દીકરો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ૧૯૮૫માં ફિલ્મ ‘બેટ્ટાડા હોવુ’થી કરી હતી. આ ફિલ્મ માટે પુનિતને ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.