અગાઉ નિયમિત ૧૬ એમસીએફટી પાણી ઠલવાતું હતું છેલ્લા ચાર દિવસથી ઠલવાય છે માત્ર ૧૦ એમસીએફટી પાણી: ડેમમાં ૫૦૦ એમસીએફટી જળ સંગ્રહ થયા બાદ નર્મદાના નીર બંધ કરી દેવાય તેવી દહેશત
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અપુરતા વરસાદના કારણે શહેરની જળજરૂરીયાત સંતોષતા એકપણ જળાશયમાં સંતોષકારક કે આખું વર્ષ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયો નથી. આવામાં રાજકોટવાસીઓએ ઉનાળામાં પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની મંજુરી આપી દીધી હતી. ગત ચોથી જાન્યુઆરીથી આજીડેમમાં નર્મદાના નીર ઠલવાય રહ્યા છે. દરમિયાન છેલ્લા ચારેક દિવસથી અચાનક નર્મદાના નીરમાં કાપ મુકી દેવામાં આવ્યો હોવાનું વિશ્વસનીય સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આજીડેમમાં ૫૦૦ એમસીએફટી જળજથ્થો સંગ્રહિત થયા બાદ નર્મદાનું પાણી બંધ પણ કરી દેવામાં આવે તેવી પણ દહેશત હાલ વર્તાઈ રહી છે.
રાજકોટવાસીઓએ ભવિષ્યમાં પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ સૌની યોજના અંતર્ગત આજીમાં નર્મદાના નીર ઠાલવવાનો મહત્વપૂર્ણ પ્રોજેકટ યુદ્ધના ધોરણે સાકાર કર્યો હતો. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં આજી ડેમમાં માતબર પાણીની આવક ન થતા મુખ્યમંત્રીએ આજીમાં નર્મદાના નીર ઠાલવવાની મંજુરી આપી દીધી હતી દરમિયાન ગત ૪થી જાન્યુઆરીથી મચ્છુ-૧ ડેમથી પાઈપલાઈન મારફત આજીડેમમાં નર્મદાનું નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ ૧૭ દિવસ સુધી આજીડેમમાં નિયમિત ૨૧૦ થી ૨૧૫ એમએલડી એટલે કે ૧૬ એમસીએફટી પાણી ઠાલવવામાં આવતું હતું દરમિયાન છેલ્લા ચાર દિવસથી આજીમાં ઠલવાતા નર્મદાના નીરમાં અણધાર્યો કાપ મુકી દેવામાં આવ્યો છે. હાલ દૈનિક ૧૩૦ થી ૧૪૦ એમએલડી એટલે કે ૧૦ એમસીએફટી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. ડેમની સપાટી હાલ ૨૧ ફુટે પહોંચી છે અને ડેમમાં ૪૬૯ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ડેમની સપાટી ૫૦૦ એમસીએફટી આસપાસ પહોંચે ત્યારે નર્મદાના નીર રાજય સરકાર દ્વારા બંધ પણ કરી દેવામાં આવે તેવી પણ સંભાવના સુત્રો વ્યકત કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જયારે ગત ૪થી જાન્યુઆરીથી આજીડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે આજીની સપાટી ૧૫ ફુટની હતી અને ડેમમાં ૩૮૫ એમસીએફટી પાણી સંગ્રહિત હતું. ડેમમાં રોજ ૧૬ એમસીએફટી પાણી ઠલવાઈ રહ્યું છે અને વિતરણ માટે ૮ થી ૧૦ એમસીએફટી પાણી ઉપાડી લેવામાં આવશે. ટુંક સમયમાં આજીમાં ઠલવાતા નર્મદાના નીર બંધ કરી દેવામાં આવશે તેવી સંભાવના છે તો બીજી તરફ સરકારે જયારે ઉનાળામાં એટલે કે માર્ચ કે એપ્રિલ માસમાં જરૂર પડે ત્યારે આજીમાં ફરી નર્મદાનું પાણી ઠાલવવાની બાંહેધરી પણ મહાપાલિકાને આપી છે. બીજી તરફ ન્યુ રાજકોટની જળજરૂરીયાત સંતોષતા આજી-૧ ડેમમાં પણ હાલ ૧૦ ફુટ જ પાણી બચ્યું છે. આવામાં ડેમ એપ્રિલ માસમાં ડુકી જાય તેવી શકયતા જણાઈ રહી છે. એપ્રિલથી ખંભાળા-ઈશ્વરીયા લાઈન મારફત રાજકોટને વધુ ૪૦ એમએલડી નર્મદાનું પાણી આપવાની રજુઆત પણ રાજય સરકારમાં કરવામાં આવી છે. એક ઝોનમાંથી બીજા ઝોનમાં પાણી ટ્રાન્સફર કરતી એકસપ્રેસ ફીડર લાઈન પણ કાર્યરત થઈ ગઈ હોય જો સરકાર રાજકોટને જોઈએ તેટલું નર્મદાનું પાણી આપશે તો શહેરીજનોને ઉનાળામાં પાણીની કોઈ હાડમારી વેઠવી નહીં પડે.