જાન્યુઆરીમાં દેશમાં બેરોજગારીનો દર ઘટીને 6.57 ટકા થઈ ગયો : હજુ કોરોનાની અસર નહિવત થયા બાદ આ આંક નીચે જવાનો અંદાજ
અબતક, નવી દિલ્હી :
ભારતમાં બેરોજગારી દરમાં ધરખમ ઘટાડો થયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી અનુસાર, જાન્યુઆરીમાં દેશમાં બેરોજગારીનો દર ઘટીને 6.57 ટકા થઈ ગયો છે. માર્ચ 2021 પછી ભારતમાં બેરોજગારીનું આ સૌથી નીચું સ્તર છે. એવું માનવામાં આવે છે કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટમાંથી સાજા થયા બાદ ભારતમાં બેરોજગારીમાં વધુ ઘટાડો થશે.
જ્યારે ભારતના શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર જાન્યુઆરીમાં 8.16 ટકા હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર ઘટીને 5.84 ટકાની સર્વકાલીન નીચી સપાટીએ આવી ગયો છે. આ સ્વતંત્ર થિંક ટેન્કના રિપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં ભારતમાં બેરોજગારીનો દર 7.91 ટકા હતો. ત્યારે શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 9.30 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 7.28 ટકા હતો.
તેલંગાણામાં જાન્યુઆરીમાં સૌથી ઓછી બેરોજગારી જોવા મળી હતી, જ્યારે હરિયાણામાં સૌથી વધુ બેરોજગારી જોવા મળી હતી. તેલંગાણામાં આ આંકડો 0.7 ટકા હતો, ત્યારબાદ ગુજરાત (1.2 ટકા), મેઘાલય (1.5 ટકા) અને ઓડિશા (1.8 ટકા)નો નંબર આવે છે. તે જ સમયે, હરિયાણા 23.4 ટકાના બેરોજગારી દર સાથે યાદીમાં ટોચ પર છે. તે પછી રાજસ્થાનનો નંબર આવે છે જ્યાં બેરોજગારી 18.9 ટકા હતી. ડિસેમ્બર, 2021માં અનુમાન લગાવ્યું હતું કે દેશમાં બેરોજગારોની કુલ સંખ્યા લગભગ 53 મિલિયન છે, જેમાં મહિલાઓનો મોટો હિસ્સો છે.
બેરોજગારીના આંકડાઓ પર, સીએમઆઈઇના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મહેશ વ્યાસે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં, લગભગ 35 મિલિયન બેરોજગાર લોકો સક્રિયપણે કામની શોધમાં હતા અને તેમાંથી લગભગ 80 લાખ મહિલાઓ હતી. તેમણે કહ્યું કે 1.7 કરોડ એવા લોકોને જોડવા મહત્વપૂર્ણ છે જેઓ રોજગાર ન હોવા છતાં સક્રિયપણે કામ શોધી રહ્યા નથી.