ઘણી બાબતો એવી હોય છે કે, એને ખોયા પછી જ એનું સાચું મહત્વ સમજાય છે, પણ આત્મા એવી બાબત નથી. હું એવું નથી ઇચ્છતો, પણ જો કદાચ તમે આત્મા ખોઇ બેસો, તો પછી એનું મહત્વ કઇ રીતે સમજો ?
આમ તો દરેક સજીવમાં આત્મા હોય જ છે, છતાં જો કોઇ મનુષ્ય માટે શંકા જાગે કે ‘આની પાસે શું ખરેખર આત્મા હશે ?’, તો એ મનુષ્ય નેતા, વકીલ કે પોલીસ હોવા સંભવ છે.
આપણે ત્યાં ખાસ કરીને ગીતોમાં સજીવો કે નિર્જીવોને લાડ લડાવવાની પ્રથા રહી છે. કવિઓ ઘેલા કાઢે ત્યારે ગીતોમાં દરજીડો, મોચીડો, માટીડો, કોયલડી, ચુંદલડી, ભેંસલડી, વાંસલડી જેવા શબ્દલડા… માફ કરશો.. શબ્દો જડવા લાગે છે. (કવિ ન્હાનાલાલ યાદ આવ્યા ?) કહેવાય છે કે આવશ્યકતાથી વધુ વહાલ કરી બાળકોને મોંઢે ન ચડાવવા. શબ્દોયે બાળકો જેવા હોય છે. ખેર, ન ચડાવવા. શબ્દોયે બાળકો જેવા હોય છે. ખેર, આપણે તો આત્માની વાત કરતા હતા. આત્માને લાડમાં આતમરામ પણ કહેવાય છે……. તે ‘આત્મારામભાઇ’ સિવાયના લોકો પણ જાણતા હોય છે. જો આત્મા ઉડી જાય તો એને ‘પ્રાણપંખેરુ’ પણ કહેવાય. આપણું દેવળ ગમે એટલું જૂનું થાય, તોયે આપણને એ લોભ રહે છે કે ‘હંસલો’ ઉડી ન જાય, તો એ વિષેનું ભજન આપણે અનંતકાળ સુધી ગાતા રહીએ, ભલે બીજાઓ કંટાળે ! એ ‘હંસલા’ પર લખાણ (આવા લેખ) કે વખાણની અસર થતી નથી, સમય થાય એટલે એ ‘દેવળ’નો મોહ રાખ્યા વિના ઉડી જાય છે….વીજળીના ફ્યુઝની જેમ !
બીજો કોઇ વિકલ્પ ન હોઇ, આત્માના પ્રસ્થાન પછી દેહને પંચમહાભૂતમાં વિલિન કરવો જ પડે છે. ત્યાર પછી આત્માને દેહમાં ટકાવી શકેલાઓને સ્વર્ગસ્થ-નિમિત્તે અસ્તિત્વનાં વણઉકેલ્યાં રહસ્યોની, પાપ-પુણ્યના હિસાબો અને મોક્ષની તથા આત્માના મહત્વની અને ગતિની ચર્ચાઓ કરવી પડે છે. ત્યારે વિશેષ પ્રયત્નો દ્વારા સદ્ગત (?) સદ્ગુણો શોધીને ગદગદ થવાની એક લાંબી અને અંતે કંટાળામાં સરી જતી વિધિ કરાય છે. નિધન પામેલા ગુંડાના સ્વજનોનેય પૂરો આત્મવિશ્ર્વાસ હોય છે કે, એમનો આત્મા સ્વર્ગમાં જ ગયો છે. (ચિત્રગુપ્તની મજાલ છે કે એમનો ચોપડો ખોલી સાચો હિસાબ કરે !) હપ્તા વસૂલીની આવકનો અમુક ભાગ દાન-પુણ્યમાં વાપર્યા પછી એમના સ્વજનોને પાકી શ્રધ્ધા થાય છે કે, ‘ભાઇ’ના આત્માને શાંતિ મળી જ હશે. શ્રદ્વાંજલિરુપે ફૂલ ચડાવવા આવનારને ભાઇની વિકરાળ તસવીરની નજીક જતાં બીક લાગતી હોય છે. (કારણ, ભયંકર-ફૂલ ગયું, પણ ફોરમ હજીયે રહી !) તસવીરની બહાર કૂદી ‘ભાઇ’ ગળું નહીં ઝાલે, એની ગેરન્ટી આપતા હોય. એમ એમનાં સ્વજનો ઇશારાથી જણાવે છે કે વાંધો નહીં, ફૂલ ચડાવો તમતમારે ! છાપામાં છપાયેલી શ્રદ્વાંજલિની જાહેરખબરમાં પણ યોગ્ય રીતે જ લખાય છે કે, સદ્ગતની અચાનક વિદાયથી જે શૂન્યાવકાશ સર્જાયો છે તે ભરી શકાય તેમ નથી ! ખેર..
આમ તો આત્મા અને અંતરાત્મા સમાનાર્થી જ છે, પણ ‘અંતરાત્મા’ બોલવાથી વધુ દિવ્યતાનો અનુભવ થતાં, મનને સારું લાગે છે. કોઇ ગુંડો આપણને ફટકારતો હોય અને આપણે જો કહીએ કે ભાઇ….. તારો અંતરાત્મા કહે તેમ કર, તો વધુ માર પડવા સંભવ છે, કારણ કે ત્યાર પછી એ બેઇમાની પણ ઇમાનદારીપૂર્વક કરવા માંડે છે. તમને થશે કે અચાનક આ મુદ્ો ક્યાંથી ટપક્યો ? મિત્ર, હું એટલું જ કહેવા માગું છુ કે, બધાના અંતરાત્મા સરખા હોય છે. અંતરાત્મા ઇમાનદાર જ હોય, એમ મનાય છે. મેં ‘જીવાત્મા’ જેવો શબ્દ પણ સાંભળ્યો છે એટલે જીવ અને આત્મા એક જ છે કે જુદા એ અંગે હું સ્પષ્ટ નથી. ‘ગઝલ’ને ‘એક પ્રકારનો રાગ’ ગણાવતા શબ્દકોશો પર મને બહુ વિશ્ર્વાસ નથી, એટલે હું ગૂંચવાયેલો રહું છું. જીવ ચૂંથાયા કરેને ! પણ ‘જીવ’ને કારણે આત્માની ઇમેજ ખરડાય એવા રુઢિપ્રયોગો આપણે ત્યાં ઘણા છે. દાખલા તરીકે જીવ બગડવો, જીવ રહી જવો (વ્યર્થ માયા !), જીવ અદ્વર થયો (આત્મા સ્થાનભ્રષ્ટ થાય ?) જીવ નીચોવી નાંખવો (કપડાની જેમ ?), જીવ ન ચાલવો (કાયરતા ?), જીવ ગૂંચવાવો (આત્મા અને ભ્રમ ?) વગેરે. એની વે, જીવ અને આત્મા અલગ હોય તોયે મારો જીવ નહીં કપાય (?), ઓકે ?
ડોહત્વ (ડોહા બનાવતું ‘ત્વ’) અર્થાત વૃદ્વત્વ મનુષ્યને કાચંડાની જેમ રંગ બદલતાં શીખવે છે. જીવનભર નાસ્તિક રહેલા મનુષ્યો વૃદ્વત્વમાં મૃત્યુ નજીક આવતું ભાળી અસ્તિક બની જતા હોય છે. પછી તાત્કાલિક આરંભાય છે સાચા (?) ગુરુ કે સંતની શોધ અને ……યુ સી, ગલીએ ગલીએ સાચા ગુરુઓ (પોતાની નજરમાં સાચાો ન હોય, એવો કોઇ ગુરુ તમે જોયો છે?) તૈયાર જ બેઠા હોય છે. દરેક શિષ્ય પોતાને સાચા સમયે સાચો ગુરુ મળી જવા બદલ ધન્ય થયેલો હોય છે. (તમે નહીં માનો, પણ સાચો ગુરુ ન મળવાને કારણે હું વધુ સુખી થઇ શક્યો છું અને વ્યંગ લેખો પણ લખી શકું છું…. !) પછી શિષ્યના લાભાર્થે ગુરુ દ્વારા આત્માથી પરમાત્મા સુધી લઇ જતી દિવ્ય અને અભૂતપૂર્વ (?) પ્રક્રિયા આરંભાય છે, વાણી માધ્યમથી ! બોલવું એ એક વાત છે અને કહી બતાવવું તે જુદી….. બિચારા ડોક્ટરોને કોઇ યશ નથી આપતું, બાકી એ લોકો ગુરુઓ કરતાંયે વધુ ત્વરાએ આત્માને પરમાત્મા સુધી પહોંચાડી દે છે. પાપીઓના આત્મા સુધી પહોંચાડી દે છે. પાપીઓના આત્મા કેટલાં અને કેવાં કેવાં દુ:ખો ભોગવ્યા પછી પરમાત્મા સુધી પહોંચે છે – એના હદ્યવિદારક હિસાબો આપી, ગુરુઓ શ્રોતાઓને રડાવી રડાવીને અધમુઆ કરી નાંખે છે. ડોક્ટરો સારા કે એ જ દિવ્ય પ્રક્રિયામાં આપણને વેદના ન થાય એટલા ખાતર કલોરોફોર્મનો સંયમપૂર્વક ઉપયોગ કરી ‘ડાહીનો ઘોડો રમતો-જમતો છુટ્ટો’ કરી આપે છે ! આત્મહત્યાને ગુનો બનાવવા સરકારો કાયદા ઘડે છે અને અદાલતો એનો અમલ ન કરનારાઓને સજા આપે છે – એ શું ઉચિત છે ? આત્મા જો વહેલી તકે પરમાત્મા સાથે ઐક્ય સાધવા માગતો હોય, તો એને આડે આવવાનો હક અન્યને હોય ? ટી.વી. ચેનલ્સ પર દર્શન આપી દિવ્ય વાણી રેલાવતા ગુરુઓ-સંતો એ બાબતે કશું બોલતા કેમ નથી ?
આત્માના સ્વરુપ અંગેના જ્ઞાન કરતાં હું ગૂંચવણો વધુ ધરાવું છુેમ લખી શકું છું, એની મને તો ઠીક, મારા આત્માને પણ ખબર નથી ! નહીં તો એણે મને અટકાવ્યો હોત !)
સામાવાળાને પ્રભાવિત કરવા (અને ખુદને ઉલ્લૂ બનાવવા !) વિદ્વાનો વારંવાર ‘અંદરની અદાલત’નો ઉલ્લેખ કરતા હોય છે, મજૂરો વારંવાર ગડીમાંથી બીડીા કાઢે એવી તલપ સાથે ! એ ગૌરવપૂર્વક એમ પણ કહેતા હોય છે કે, દિનાન્તે હું હંમેશા ‘અંદરની અદાલત’માં ઉપસ્થિત થાઉં છું ! વાત કાંઇ ગળે ઉતરે એવી નથી. જો વિદ્વાન-મહાશય રોજ અંદરની અદાલતમાં ઉપસ્થિત થતા હોય અને આત્મા ન્યાયાધીશ હોય, તો તરત એ ફરમાન છોડે કે હે સુજ્ઞ-અક્કલમઠ્ઠા, પહેલાં વિદ્વાતાનો ભાર છોડી માણસ બન ! આ તો સારું છે કે અંદરની અદાલતમાં માત્ર ખુદના જ કેસ ચાલે છે. બાકી જો બીજાના કેસ લેવાતા હોત તો છે એના કરતાં અનેક ગણી વધુ અંધાધૂધી થાત, ખરું કે નહીં ? સામાન્ય મનુષ્યોના આત્મા સામાન્ય કદના જ હોય છે અને એ સ્થિતિસ્થાપક નથી હોતા એટલે એમના કદમાં શેર માર્કેટ જેવી વધ-ઘટ (તેજી-મંદી !) નથી થતી, એમ મને લાગે છે. જ્ઞાનીઓને સતત એવું લાગે છે કે, આત્મા એ જ પરમાત્મા છે. આથી ફાયદો થતો હોય ત્યાં લાગ જોઇ એમના આત્મા વામનમાંથી વિરાટ એટલે પરમાત્મા બની જતા હોય છે. કેટલાક સંતો (?) દરેક યુગમાં ખુદને ભગવાન જાહેર કરતા હોય છે અને એમના આદ્યાત્મિક માફ કરશો…… એમના કહ્યાગરા શિષ્યો ધન્ય બની એ દિવ્ય-સત્યનો માત્ર સ્વીકાર જ નથી કરતા, પણ સમગ્ર માનવજાતિના કલ્યાણર્થે એનો પ્રચાર-પ્રસાર પણ કરે છે ! પરમાત્મા થઇ ગયેલા ‘આવા’ આત્મા પછી તો ખુદના કંટ્રોલમાં પણ રહેતા નથી. ‘અહં બ્રહ્માસ્મિ’ના રાજા-પાઠમાં આવી ગયેલા એની માલિકીનું પાર્થિવ શરીર પણ ‘ધ.ધૂ.પ.પૂ.’ સિદ્વ થઇ જતાં, એના (એટલે કે શરીરના) ચરણસ્પર્શો લેવાં સામાન્ય પાર્થિવ શરીરોની લાઇનો લાગે છે. આત્માનાં આવાં અગમ્ય ચક્કરો અન્ય સજીવોમાં હોતાં નથી. અન્ય સજીવોના આત્મા કદાચ સીધા-સાદા અને સંતોષી હોવા જોઇએ. એ બાબતે શંકા જાગે, તો એ અસ્વાભાવિક નથી, કારણ કે આપણે ‘અન્ય સજીવો’ નથી, ગોટ માય પોઇન્ટ ? (ઓ નિમ્મેસભૈ, સહેલું લખોને યા !) આ વિશ્ર્વ જ્ઞાનીઓનું છે કે સામાન્ય મનુષ્યોનું એ અંગે પણ હું સમજણો થયો (?) ત્યારથી દ્વિધામાં છું. (હું ક્યા પ્રકારનો મનુષ્ય છું, એ અંગે મારો અંતરાત્મા કાંઇક સ્પષ્ટતા કરે, તો બીજી ગૂંચવણો પણ ઉકલે ને !) ક્યારેક લાગે છે કે જીવતે જીવ મારો આત્મા અવગતિએ ચડેલો છે, બાકી જે મારી પાસે છે જ નહીં તે વિદ્વતા આ લેખમાં હું દર્શાવું ખરો ? એટલે તો કહું છુ કે આત્માના પરમાત્મા બનવા પર કાયદેસર પ્રતિબંધ હોવો જોઇએ. હું ઇચ્છું છું પરમાત્મા (ઇશ્ર્વર) જો એક જ છે, તો એક જ રહે ! (જથ્થો વધે એમ ગુણવત્તા જોખમાય, એવું કોમર્સના ભણાવાય છે, બાકી મારે શું ?)
આત્માઓ વચ્ચે ખો-ખો રમાય ત્યાં સુધી ચાલે, પણ કબડ્ડી ન રમાવી જોઇએ, એમ આ નિમ્મેસભૈ ઇમાનદારીપૂર્વક માને છે ! (પણ વાત બાઉન્સર જાય છે, નિમ્મેસભૈ !) ઉદાહરણ સહિત સમજાવું ? દાલખા તરીકે કોઇ કવિ આત્મા અને સામે પક્ષે ભાવક આત્મા ! અમારા એક મૂર્ધન્ય કવિ (નામનું શું કામ છે, જવા દો !) કવિતાની વ્યાખ્યા આપતાં કહે છે કે, કવિતા એટલે સર્જકઆત્માથી ભાવકઆત્મા સુધી જવાની સંવેદન પ્રક્રિયા ! (આત્મા સાથે સંલગ્ન કોઇ પણ બાબત સંકુલ કેમ બની જાય છે ?) જીવદયામાં ન માનનાર સર્જકઆત્મા કઇ પ્રક્રિયા દ્વારા ભાવક-આત્મા સુધી પહોંચે છે એ મારી સમજની બહાર છે, પણ મેં એ પછી ભાવકઆત્માને કદી સુખી નથી જોયા, એનું કારણ શું ? આત્મા સાથે જોડાતાં જ આ વિશ્ર્વની દરેક સરળ બાબત જટિલ બની જાય છે. ઇવન, આ લેખની (અને મારી) દશા તો જુઓ ! આ તબક્કે હું ખરેખર શું કહેવા માગું છું, એ પણ ભૂલવા લાગ્યો છું.
મારો અંતરાત્મા મને કશાની ચિંતા કર્યા વિના (વિષયનાં બંધનો ફગાવી…..) વધુ લખવા પ્રેરે છે, પણ હું આ લેખને પૂર્ણ જાહેર કરું છું. મને માફ કરો, હવે પછી આત્મા અંગે કશું જ નહીં લખું એ મારુ વચન છે. સદ્ગતના (જીવતેજીવ તમારી ગતિ સારી છે માટે !) આત્માને શાંતિ મળે, એ જ પ્રભુ પ્રાર્થના !