ક્રિમીનલ રેકોર્ડના કારણે અટકી પડેલી સરકારી નોકરીની એપોઈમેન્ટ મામલે મહત્વનો ચુકાદો
સગીર વયે વ્યક્તિએ કરેલો ગુનો તેને સરકારી નોકરી મેળવવામાં બાધક બની શકે નહીં તે પ્રકારનો ચુકાદો દેશની વડી અદાલત દ્વારા આપવામાં આવ્યો છે. વડી અદાલતે ગઈકાલે આપેલા ચુકાદામાં એ બાબત સ્પષ્ટ કરી હતી કે, પુખ્ત બની ગયા બાદ વ્યક્તિનો સગીરવયે થટેલા ગુનાનો ક્રિમીનલ રેકોર્ડ સરકારી નોકરી કે અન્ય કોઈ લાભ મેળવવામાં બાધક બની શકે નહીં.
ન્યાયાધીશ યુ.યુ.લલીત અને વનીત સારનની ખંડપીઠે ચુકાદામાં કહ્યું હતું કે, સગીરના ગુનાના રેકોર્ડને હટાવાઈ દેવાયો હોય તેવી રીતે વર્તવું જોઈએ. તેના ભૂતકાળનો ભાર ભવિષ્યમાં નડે નહીં અને જીવન ફરીથી શરૂ કરી શકે તે સુનિશ્ર્ચિત કરવું જોઈએ. સગીરવયે થયેલા ગુનાના કારણે જેઓને સરકારી નોકરી મળી નથી તેમની માટે આ ચુકાદો મહત્વનો બની જાય છે. ગુનાહિત ભૂતકાળ જોઈને સરકારી નોકરીઓ ન આપવાની કેન્દ્ર સરકારની દલીલને ફગાવવામાં આવી છે.
આ કેસમાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ (સીઆઈએસએફ)માં સબ ઈન્સ્પેકટરની ભરતીમાં એક વ્યક્તિને એપોઈમેન્ટ લેટર આપવાની ના પાડવામાં આવી હતી.
આ વ્યક્તિએ લેખીત પરીક્ષા પાસ કરી હોવા છતાં તેને એપોઈમેન્ટ લેટર મળ્યો ન હતો. સગીર અવસ્થામાં તે વ્યક્તિએ યુવતી સાથે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ હતો. અરજકર્તા સામે ગુનો વર્ષ ૨૦૦૯માં નોંધાયો હતો.
જો કે, ૨૦૧૧માં તેની સામેના આરોપો દૂર થયા હતા. દરમિયાન ૨૦૧૬માં તેણે લેખીત પરીક્ષા પાસ કરી હતી. જો કે, ભૂતકાળના કેસને લઈ તેને એપોઈમેન્ટ લેટર આપવામાં આવ્યો ન હતો.