કવોરેન્ટાઈન માટેના નિયમોમાં થોડી છૂટછાટ અપાઈ
કોરોનાના કારણે વિદેશ ગયાબાદ ફસાઈ ગયેલા ભારતીયો દેશમાં પરત ફરે ત્યારે કવોરેન્ટાઈન માટેના નિયમોમાં કેટલાક સુધારા કરાયા છે. જો કે વંદે ભારત મિશન હેઠળ ભારત સરકાર દ્વારા વિદેશથી ફલાઈટમાં આવનારા ગુજરાતી મુસાફરે ૭ દિવસ સંસ્થાકીય અને સાત દિવસ હોમ કવોરેન્ટાઈન રહેવું પડશે.
રાજયનાં સામાન્ય વહીવટ વિભાગે જણાવ્યું હતુ કે અગાઉ સરકારે નકકી કર્યા મુજબ આ પધ્ધતિ હાલ અમલમાં છે. અને તેજ પધ્ધતિ ચાલુ રાખવામા આવશે.
માનસિક તાણ, ગર્ભાવસ્થા, પરિવારના સભ્યના મૃત્યુ ગંભીર બિમારી કે ૧૦ વર્ષથી નાના બાળકો સાથે આવનાર માતા પિતાને હોમ કવોરેન્ટાઈનની મંજૂરી આપવા જોગવાઈ છે તે સંદર્ભે હવેથી તેમણે બોર્ડિંગ પહેલાના ૭૨ કલાકમાં ઓનલાઈન પોર્ટલ પર અરજી કરીને મૂકિત મેળવી હોય તો તે મૂકિતનો પત્ર હાર્ડ કે સોફટકોપી બતાવે તો તેમને સંસ્થાકીય કવોરેન્ટાઈનમાંથી મૂકિત આપવાની રહેશે તેમ જણાવાયું છે.
જે મુસાફરો આરટી પીસીયરનો નેગેટિવ રિપોર્ટ જે ૯૬ કલાકની અંદર કરાવ્યા હોય અને તેના આધારે સંસ્થાકીય કવોરેન્ટાઈનની છૂટ આપવાની રહેશે.
આ માટે પણ જે તે મુસાફરોએ આ નેગેટિવ રિપોર્ટ હાર્ડ કે સોફટ કોપી એરપોર્ટ પર સક્ષમ અધિકારીને બતાવવાનો રહેશે અને તેના આધારે સંસ્થાકીય કવોરેન્ટાઈનમાંથી મૂકિત આપવાની રહેશે તેમ સામાન્ય વહીવટ વિભાગે જણાવ્યું છે.સરકારના અગાઉના પરિપત્રની અન્ય શરતો યથાવત રહેશે અને ગૃહ મંત્રાલયના સ્ટાંડર્ડ ઓપરેટીંગ પ્રોટોકોલ્સ તથા આરોગ્ય અને પરિવાર મંત્રાલયની માર્ગદર્શક સૂચનાની અન્ય શરતો પાળવાની રહેશે તેમ જણાવાયું છે.