- વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 2 હજારથી વધુ કૃષિ વિષયક વીજ જોડાણ અપાયા: ઊર્જા મંત્રી કનુ દેસાઈ
- સામાન્ય યોજના હેઠળ ખેડૂત પાસેથી માત્ર સર્વિસ કનેક્શન ચાર્જ અને એનર્જી ડિપોજિટના નાણાં જ લેવાય છે
ઊર્જા મંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 2590 જેટલા કૃષિ વિષયક વીજ જોડાણ આપવામાં આવ્યા છે જેની પાછળ 49,35,11,000નો ખર્ચ કરવામાં આવ્યો છે.
મંત્રીએ પેટા પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું હતું કે, સામાન્ય યોજના હેઠળ વીજ જોડાણ ખેડૂત પાસેથી માત્ર સર્વિસ કનેક્શન ચાર્જ અને એનર્જી ડિપોજિટના નાણાં જ લેવામાં આવે છે. નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણ માટે આગવુ ટ્રાન્સફોર્મર આપવામાં આવે છે.
એક નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે વીજ કંપનીને વીજ લાઇન અને ટ્રાન્સફોર્મરની કામગીરી માટે અંદાજિત રૂ. 1,73,000 જેટલો ખર્ચ થાય છે. પરંતુ ખેડૂત પાસેથી વીજ લાઇન કે ટ્રાન્સફોર્મરનો કોઈ ખર્ચ લેવામાં આવતો નથી અને તમામ ખર્ચના તફાવતના નાણાં સરકાર દ્વારા ચૂકવાય છે. એટલે કે, 5 હોર્સ પાવરના વીજ જોડાણ માટે આ યોજના હેઠળ ખેડૂતે રૂ. 7855 આપવાના હોય છે તેમ મંત્રીએ કહ્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સામાન્ય યોજના સિવાય ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવે છે. જેમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના અને અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોએ માત્ર એનર્જી ડિપોઝીટના નાણાં જ ભરવાના રહે છે. આ ઉપરાંત સાગરખેડૂ સર્વાગી વિકાસ યોજના અંતર્ગત ખેડૂતે સામાન્ય યોજના મુજબમાત્ર અંદાજપત્ર ભરવાનું રહે છે.