જસદણ-વિંછીયા વિસ્તારમાં ગ્રામજનોની આરોગ્ય સુવિધા માટે ૩૮ પેટા આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાયા, ૬ પ્રામિક આરોગ્ય કેન્દ્ર અપગ્રેડ કરવાનું આયોજન: કુંવરજીભાઈ બાવળીયા
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના જનડા ગામે અંદાજે રૂા. ૨૫ લાખના ખર્ચે નિર્માણ થનાર પેટા આરોગ્ય કેન્દ્રના મકાનનું ભૂમિપૂજન-ખાત મૂર્હત રાજ્યના પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
પોતાની જન્મભૂમિ-વતનના ગામમાં ખાતમૂર્હત વિધિ સંપન્ન કર્યા બાદ મંત્રી જણાવ્યું હતું. કે જસદણ-વિંછીયા વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ઘર આંગણે આરોગ્ય-તબીબી સુવિધા અને માર્ગદર્શન મળે તો માટે સવિશેષ કાળજી સરકાર દ્વારા લેવામાં આવેલ છે.
આ વિસ્તારમાં ૩૮ પેટા આરોગ્ય કેન્દ્રો મંજૂર કરાયા છે અને ૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અદ્યતન સુવિધા સાથે અપગ્રેડ કરવા આયોજન કરવામાં આવી રહ્યું છે.
જયારે વાડી વિસ્તારમાં રહેતા લોકોના બાળકોને શિક્ષણ સુવિધા માટે ૬૫ જેટલી સીમ શાળાઓ પણ શરૂ કરવામાં આવેલ છે. જયારે વાડી વિસ્તારમાં વધુ બાળકો હોય તો તેમના અભ્યાસ માટે સરકારશ્રી દ્વારા વાહનની વ્યવસ્થા કરાયેલ છે. જયારે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અર્તગત આ વિસતારમાં ૧૪ માધ્યમિક શાળાઓ શરૂ કરાયેલ છે. વિંછીયામાં ધો.૧૧,૧૨ માં વિજ્ઞાન પ્રવાહ મંજૂર થયેલ છે.
તેમણે આ તકે વિંછીયા વિસ્તારમાં બનનાર આઇ.ટી.આઇ, નવું મકાન કોર્ટ બિલ્ડીંગ અને તાલુકા પંચાયતના મંજુર થયેલ મકાનની વિગતો આપી હતી.
આ ઉપરાંત આ વિસ્તારના વિકાસ માટે રસ્તા, સિંચાઇ, પીવાનાપાણી માટે પાણીપુવઠા યોજનાના સુધારાણાના કામો, સૌની યોજનાઅને ચાલી રહેલ જળસિંચન અભિયાનના કામો વિગેરેની વિગતો પણ આપી હતી. તેમણે ગ્રામજનોને વિકાસના કામો પરત્વે જાગૃતિ કેળવવા અને પેટા આરોગ્ય કેન્દ્રનું મકાનનું કામ ગુણવત્તાયુકત થાય તે જોવા ખાસ જણાવ્યું હતું. અગ્રણી રવજીભાઇ રૈયાણી અને ખોડાભાઇ ખસીયાએ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના પ્રયત્નોથી ટુંકા સમયમાં આ વિસ્તારના વિકાસ માટે હાથ ધરાયેલ કામોની સવિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે ગામના સરપંચ જયસુખભાઇ પડાણી, આસપાસના ગામોના સરપંચો, આરોગ્ય સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.