- “હર ઘર કનેક્ટિવિટી”
- ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ કેન્દ્ર સરકારના સમર્થન સાથે ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમ બનાવાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણને વધારવા અને ટેકનોલોજી દ્વારા ‘ઇઝ ઓફ લિવિંગ’ સુધારવા માટે પરિવર્તનશીલ ‘ડિજિટલ ઇન્ડિયા’ ઝુંબેશ શરૂ કરી . આ વિઝનના આધારે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘ડિજીટલ ગુજરાત’ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રગતિના ભાગરૂપે, હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલી) પહેલ સુશાસન દિવસ, 25મી ડિસેમ્બરે રજૂ કરવામાં આવી હતી. આ નવીન કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગ્રામીણ ઘરોને ’સ્માર્ટ હોમ્સ’માં રૂપાંતરિત કરવાનો છે અને બજારમાં ઉપલબ્ધ કરતાં વધુ સસ્તું દરે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને મૂલ્યવર્ધિત સેવાઓ પૂરી પાડવાનો છે,
જે અંતર્ગત 25,000 ગ્રામીણ પરિવારોને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને OTT, વાઈફાઈ અને કેબલ ટેલિવિઝન જેવી અન્ય મૂલ્યવર્ધિત સેવાઓ સાથે જોડવામાં આવ્યા છે. જે અંગે સરકારે જણાવ્યું હતું કે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ કેન્દ્ર સરકારના સમર્થન સાથે સ્માર્ટ હોમ પ્રોજેક્ટના અમલીકરણ માટે વિવિધ સંસ્થાઓ સાથે ભાગીદારી કરવામાં આવી છે.
આ પહેલ હેઠળ, GFGNL દ્વારા, ગ્રામીણ વિસ્તારોમાં ઘરોને સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાની ઇન્ટરનેટ કનેક્શન સાથે વાઇ-ફાઇ સેવા, કેબલ ટીવી (ફ્રી-ટુ-એર અને પેઇડ ચેનલ્સ) જેવી મૂલ્યવર્ધિત સેવાઓ પ્રદાન કરવામાં આવી છે . શરૂઆતમાં, OTT (ઓવર-ધ-ટોપ ટેલિવિઝન) અને ગેમિંગ માટે વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 25,000 FTTH (ફાઇબર-ટુ-હોમ) કનેક્શન પ્રદાન કરવામાં આવશે. ત્યારબાદ ભવિષ્યમાં આ જોડાણો વધારવામાં આવશે અને વધુને વધુ ગ્રામીણ પરિવારોને લાભ મળ્યો છે. ત્યારે આ અંગે રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મનોરંજન ઉપરાંત, પહેલ સરકાર-થી-નાગરિક (G2C) સેવાઓ અને કૃષિ, પશુપાલન અને ટેલિમેડિસિન માટે IoT સોલ્યુશન્સ પ્રદાન કરશે અને ડિજિટલ ટૂલ્સ સાથે ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવશે.
“ગ્રામીણ ઘરોને ’સ્માર્ટ હોમ્સ’માં રૂપાંતરિત કરીને, પ્રોજેક્ટનો હેતુ શહેરી-ગ્રામીણ ડિજિટલ વિભાજનને દૂર કરવાનો અને ગુજરાતમાં ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ સેવાઓ, લાભો અને તકોની સમાન પહોંચની ખાતરી કરવાનો છે, આ સાથે “સ્ટેટ-લેડ મોડલ” હેઠળ ભારતનેટ ફેઝ-3 માટે કેન્દ્રીય ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા પસંદ કરવામાં આવેલ ગુજરાત પ્રથમ રાજ્ય છે. તેની ’ડિજિટલ ગુજરાત’ પહેલના ભાગરૂપે, વિવિધ સરકારી વિભાગો અને શાખાઓને નાગરિકો, સમુદાયો અને વ્યવસાયો સાથે જોડવા માટે કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે
ડિજિટલ કનેક્ટિવિટી માટે ચાર નવી પહેલ કરવામાં આવી છે જેમાં ગુજરાત સરકાર કનેક્ટેડ ગવર્નમેન્ટ, કનેક્ટેડ સિટીઝન, કનેક્ટેડ કોમ્યુનિટી અને કનેક્ટેડ બિઝનેસના ધ્યેયને સાકાર કરશે. ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવાના આ પ્રયાસો ડિજિટલ ગુજરાતની યાત્રાને વધુ વેગ આપશે જે વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયાના ભવ્ય વિઝનને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ રહેશે.