ભારતીય સંસ્કૃતિના પાયામાં ખેતી છે: પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા
જૂનાગઢ જિલ્લામાં ૪૮૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતિ સાથે દેશી ગાયના નિભાવ માટે પ્રત્યેક ખડુતને રૂ. ૧૦,૮૦૦ મુજબ રૂ. ૫.૧૮ કરોડની સહાય મળશે, તેમજ જીવામૃત માટે ૧૩૫૦ ખેડૂતોને રૂ. ૪.૯૦ કરોડની સાધન સહાય મળશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આત્મ નિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત સાત પગલા ખેડૂત કલ્યાણના યોજનામાં આ સહાયના મંજુરી હુકમોનું પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે વિતરણ કરાયુ હતું. ભારતીય સંસ્કૃતિના પાયામાં ખેતી છે તેવુ જવાહરભાઇ ચાવડાએ કહ્યું હતું
સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાના બે મહત્વના પગલા દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી માટે ૪૮૦૦ ખેડૂતોને રૂ. ૫.૧૮ કરોડ, ઉપરાંત જીવામૃત બનાવવા કીટ સહાય યોજના જેમાં જિલ્લાના ૩૬૩૦ ખેડૂતોને રૂ. ૧૩૫૦ મુજબ રૂ. ૪.૯૦ કરોડની સાધન સહાય અપાશે. આ બન્ને યોજનાના મંજુરી હુકમોનું મંત્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે આજે વિતરણ કરાયું હતું.
આ તકે રાજ્ય સરકારની ખેડૂત લક્ષી યોજનાની વિગતો આપતા મંત્રી જવાહરભાઇ ચાવડાએ કહ્યુ કે, ભારતીય સંસ્કૃતિના પાયામાં કૃષિ છે. ૨૫ વર્ષ પહેલા કૃષિ ઉત્પાદન ૧૩ હજાર કરોડ હતુ આજે ૧.૭૦ લાખ કરોડ થયું છે. આ આપણા ખેડૂતોની તાકાત સાથે રાજ્ય સરકારે ખેડૂતોના ફાયદા માટે લીધેલા નિર્ણયોનું પરિણામ છે. મંત્રીએ ખેડૂતોને અગાઉ ૧૬ થી ૧૮ ટકા વ્યાજે લોન અપાતી જે આજે ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવે છે તેમ સ્પષ્ટપણે જણાવી ઉમેર્યુ કે, ખેડૂતોની દરેક વાત સરકારે દિલથી સ્વીકારી તેનો અમલ કર્યો છે.આ પ્રસંગે રાજયકક્ષાએથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને વિડીયોના માધ્યમથી સંબોધન કર્યુ હતું.