વાઇસ ચેરમેન પદે પાંચમી વખત ચૂંટાતા ડાયરેકટર કોટેચા
ગુજરાત અર્બન કો.ઓ. બેંકસ ફેડરેશનની સાધારણ સભા મળી
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના દ્વારા અર્બન કો.ઓ. બેંકોએ બે લાખ વ્યક્તિઓને રૂ.2200 કરોડનું ધિરાણ કર્યુ હોવાનું ગુજરાત અર્બન કો.ઓ. બેંકસ ફેડરેશનની વાર્ષિક સાધારણ સભાને સંબોધતા સહકારી અગ્રણી જયોતિન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું છે.
ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનની 45મી વાર્ષિક સાધારણ સભા તા. 7ને શનિવારે યોજાઇ હતી. સાધારણ સભામાં સને 2020-2021થી 2024-2025ના પાંચ વર્ષ માટે ચુંટાઇ આવેલ બોર્ડ ઓફ ડિરેકટર્સના નામની જાહેરાત કરવામાં આવી. આ પાંચ વર્ષની ટર્મ માટેની ચુંટણીમાં કુલ 9 ડાયરેકટર નવા ચુંટાઇ આવેલ છે. વાર્ષિક સાધારણ સભાને સંબોધતા જ્યોતીન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું કે, અર્બન કો-ઓપરેટીવ બેંકોએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં ખૂબ ગૌરવપ્રદ કામ ર્ક્યું છે અને ગુજરાતના કેટલાય કુુટુંબોને લોકડાઉનના કારણે જે આર્થિક મુશ્કેલી થઇ તેમાં બહાર કાઢવા માટેનો એક સંનિષ્ઠ પ્રયાસ છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના દ્વારા અર્બન કો-ઓપરેટીવ બેંકોએ બે લાખ વ્યક્તિઓને રૂા. 2200 કરોડનું ધિરાણ કરેલ છે. કોવિડ-19ની મહામારીમાં બેંકોના સ્ટાફ મિત્રોએ એક ફ્રન્ટલાઇન વોરીયર તરીકે કામ ર્ક્યું છે અને જે સહકારી આગેવાન તેમજ કર્મચારી ભાઇ-બહેનોએ જીવ ગુમાવ્યા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
અર્બન બેંકોની કામગીરીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે માધવપુરા એપીસોડ વખતે અર્બન બેંકોની કુલ ડિપોઝીટ રૂા. 17 હજાર કરોડ હતી તે વધીને રૂા. 60 હજાર કરોડ થઇ છે તેવી જ રીતે એડવાન્સ જે રૂા. 11 હજાર કરોડ હતું તે વધીને રૂા 36 હજાર કરોડ થવા જઇ રહ્યું છે. આજની તારીખે સમગ્ર અર્બન બેંકોનું ગ્રોસ એનપીએ 3.99 ટકા છે. જ્યારે નેટ એનપીએ 0.45 ટકાથી પણ ઓછું છે. અર્બન બેંકોમાં ગ્રાહકોનો વિશ્ર્વાસ પુન: સ્થાપિત થઇ રહ્યો છે.
વાર્ષિક સાધારણ સભાને સંબોધતા રાજ્જ રજીસ્ટ્રાર ડી. પી. દેસાઇએ જણાવ્યું કે અર્બન બેંકોમાં સાયબર સીક્યુરીટી વધુ મજબુત થાય અને સાયબર એટેક/ક્રાઇમથી બચવા માટે ફેડરેશન દ્વારા અર્બન બેંક માટે પ્રયાસ થવો જોઇએ. જરૂર પડે તો સરકાર પણ સાયબ સિક્યોરીટી બાબતે અર્બન બેંકોને મદદ કરશે. અર્બન બેંકોમાં ઓટીએસ માટે પણ સરકારનું હકારાત્મક વલણ છે. ગુજરાત સ્ટેટ કો-ઓપેરેટીવ બેંકના ચેરમેન અજયભાઇ પટેલે વાર્ષિક સભાને
સંબોધતા જણાવ્યું કે બેંકોને હાલની જે કામ કરવાની પદ્ધતિ છે તેમાં જડમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. બેંકો તેમના સીડી રેશિયો 50 ટકાથી 65 ટકા રાખવા સફળ નહી થાય તો તેમના અસ્તિત્વનો પ્રશ્ર્ન ઉભો થઇ શકે છે. જે બેંકોના મર્જર બાબતનો સંકેત આપે છે. સાયબર સિક્યોરીટી વધુ મજબુત બને. તમામ અર્બન બેંકો એક જ સીબીએસ પ્લેટફોર્મ ઉપર કામ કરે તે બાબતે વધુ ભાર મૂક્યો અને આ માટે ટીસીએસ જેવી ઉચ્ચ કક્ષાની કંપનીનું સીબીએસ વાપરવા ઉપર ભાર મૂક્યો હતો.
એજીએમની પૂર્ણાહૂતિ બાદ તરત જ નવા ચુંટાયેલા સભ્યોની બોર્ડ મિટીંગ મળી હતી જેમાં જ્યોતીન્દ્રભાઇ મહેતા ચેરમેન તરીકે સતત છઠ્ઠી વખત અને ડોલરરાય કોટેચા વાઇસ ચેરમેન તરીકે સતત પાંચમી ટર્મ માટે સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.