- રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાના પરિણામે યાત્રાધામોની વિકાસયાત્રા વણથંભી બની
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના નાના-મોટા તમામ યાત્રાધામો અને તીર્થસ્થાનોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.
બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રવર્તમાન સ્થિતિએ વિક્રમજનક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલના તબક્કે બોર્ડ દ્વારા અંદાજિત રૂ. ૫૯૫ કરોડના ૯૦ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી અંદાજિત રૂ. ૨૩૮ કરોડના ૪૬ પ્રોજેકટ પ્રગતિ હેઠળ છે, જ્યારે અંદાજિત રૂ. ૩૫૬ કરોડના ૪૪ પ્રોજેકટ આયોજનના તબક્કે છે.
બોર્ડના મુખ્ય પ્રોજેકટ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, પાવાગઢમાં માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે રૂ. ૬૩ કરોડના કામો પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનીંગની કામગીરી અને સાથે જ મોટા પ્રમાણમાં આવતા યાત્રાળુઓ મા અંબાના દર્શન દૂરથી કરી શકે તે માટે રૂ. ૧૨ કરોડના ખર્ચે ૧૦૦x૮૦ ફૂટની પ્રતિમા મૂકવાની કામગીરી આયોજન હેઠળ છે. અંબાજી યાત્રાધામ અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર, કુંભારીયા જૈન મંદિર, રીંછડીયા મહાદેવ મંદિર અને તેની પાસે આવેલ તળાવનો વિકાસ અને તેલીયા ડેમના વિકાસ માટેના રૂ. ૧૧૭ કરોડના કામો આયોજન હેઠળ છે.
વધુમાં કહ્યું કે, બહુચરાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે મંદિરના પુનઃનિર્માણ તેમજ શિખરની ઉંચાઇ ૮૧ ફૂટ વધારવા રૂ. ૭૦.૫૭ કરોડના વિકાસ કાર્યો હાથ ધરાયા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા કોરીડોર બનાવવાની કાર્યવાહી પણ પ્રગતિમાં છે. દ્વારકાથી બેટ દ્વારકા સુધીનો સર્વાંગી વિકાસ થાય અને બેટ દ્વારકાના વિકાસ માટે પણ રૂ. ૧૫૮ કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. કચ્છમાં માતાના મઢ યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનીંગ માટે રૂ. ૩૩ કરોડ તથા નારાયણ સરોવર યાત્રાધામના માસ્ટરપ્લાનીંગ માટે રૂ. ૩૦.૦૦ કરોડના ખર્ચે આયોજન હાથ ધરાયું છે.
સચિવે જણાવ્યું કે, પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આવેલ શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામ ખાતે રૂ. ૪૪ કરોડના ખર્ચે વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે. તદઉપરાંત તમામ યાત્રાધામો સ્વચ્છ અને સુઘડ બને, પ્લાસ્ટિક મુક્ત, ક્લિન અને ગ્રીન બનાવવાનું પણ આયોજન છે. તમામ યાત્રાધામો ખાતે સાયનેજીસ, ફુટફોલ કાઉન્ટીંગ મશીન અને એન્ટ્રી ગેટ બનાવવા માટે રૂ. ૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. દરેક જિલ્લામાં સ્થાનિક મહત્વ ધરાવતા ધર્મસ્થાનોના વિકાસ માટે પણ રૂ. ૫૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.