ઓલમ્પિક સહીત તમામ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું હીર ઝળકે તે જ રાજ્ય સરકારનું ધ્યેય
રાજ્ય સરકાર પ્રતિ ખેલાડી દીઠ રૂ. ૨ લાખના ખર્ચે તાલીમ, સ્કૂલિંગ, લોજીંગ, બોર્ડિંગ, ડ્રેસિંગ અને કીટ પુરી પાડી રહી છે
ખેલ મહાકુંભ ૨૦૧૯નું કાઉન્ટ ડાઉન શરુ થઈ ચૂક્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦ માં ખેલ મહાકુંભ શરુ કર્યો ત્યારે ૧૩.૧૪ લાખ રમતવીરોએ ભાગ લીધો હતો. જયારે ૨૦૧૮ માં ૩૫.૧૯ લાખ લોકોએ આ રમતોત્સવમાં જોડાઈ સાબિત કર્યું છે કે ગુજરાતીઓ પણ ખેલ ક્ષેત્રે ગંભીર છે. રહી વાત કારકિર્દીની તો ગુજરાતીઓ વિવિધ આંતરરાષ્ટ્રીય સપર્ધાઓમાં માત્ર ભાગ જ નહિ પરંતુ મેડલ પણ મેળવતા થયા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સ્વપ્ન છે કે ગુજરાતીઓ ઓલમ્પિક સહીત તમામ આંતરરાષ્ટ્રીય,રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઝળકે અને મેડલ પણ મેળવે. આ વાતને લઈને રાજ્ય સરકાર દ્વારા ૫૦૦ કરોડથી વધુનું બજેટ ખેલ ક્ષેત્રે ફાળવી ઉત્કૃષ્ઠ ખેલાડીઓ તૈયાર થાય તે માટે પારિતોષિક, શિષ્યવૃતિ અને સ્પોર્ટ્સ સ્કૂલ શરુ કરી છે.
ખેલ મહાકુંભની ફલશ્રુતિ અંગે રાજકોટ ખાતે સિનિયર કોચ તરીકે ફરજ બજાવતા રમા મદ્રા જણાવે છે કે, ખેલ મહાકુંભ અને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ દ્વારા અનેક પ્રતિભાશાળી બાળકોને સઘન તાલીમ મળી છે અને નેશનલ લેવલે રમી વિજેતા બનવાનો ચાન્સ મળ્યો છે. એથ્લેટીક્સમાં રાજકોટની શ્રદ્ધા કથીરિયા ૩૩ મી જુનિયર નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ૨૦૦૦ મી માં બ્રોન્ઝ લાવી છે તેમજ ભોપાલ ખાતે ૬૩ મી એસ.જી.એફ.આઈ. મા ૧૫૦૦ મી. માં સિલ્વર મેડલ મેળવ્યો છે અને હાલ તેઓ શક્તિદૂત યોજનામાં સિલેક્ટ થતા તેણીને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩.૫૦ લાખની સહાય આપવામાં આવી છે. જયારે સ્વિમિંગમાં યુવરાજ પટેલે બેંગ્લોર ખાતે આયોજિત ૪૩ મી જુનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમા સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યું છે. તેઓ પણ શક્તિદૂત યોજનાના લાભાર્થી છે જેમને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩ લાખની સહાય આપવામાં આવી છે. જેઓ હાલ અમદાવાદ ખાતે ખાસ ટ્રેનિંગ મેળવી રહ્યા છે.
રાજકોટ ખાતે હાલ ધોળકિયા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે જુડોની તાલીમાર્થી બહેનોમાં ઝાલા અવનીએ નેશનલમાં ૨ બ્રોન્ઝ ૧ સિલ્વર, બારડ ક્રિષ્નાએ ૧ બ્રોન્ઝ, ડાભી શ્રધ્ધાએ ૧ સિલ્વર, બામણીયા રાજેશભાઈએ ૨ બ્રોન્ઝ, વાઢેર નિરાલીએ ૧ બ્રોન્ઝ, બામણીયા ચંદ્રાવતીએ ૧ બ્રોન્ઝ તેમજ ચૌહાણ અર્શિતાએ ૧ મેડલ મેળવ્યો હોવાનું અને તેનું શ્રેય ખાસ નિમાયેલા કોચ વૃજ ભૂષણ રાજપૂતને તેઓ આપે છે.
રાજકોટમાં જય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાસ્કેટ બોલ, ફૂટબોલ તેમજ રાયફલ શૂટિંગ ગેમ માટે ૧૦૮ તેમજ ધોળકિયા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે જુડો અને આર્ચરી ખેલ અર્થે ૧૬૭ખેલાડીઓ મળી ૨૫૦ થી વધુ બાળકો સઘન તાલીમ મેળવી રહ્યા છે જેનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે. શક્તિદૂત – આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ માટે રૂ. ૨ લાખ થી ૨૦ લાખ સુધી ઉપલબ્ધ. રાજકોટના સ્વિમર યુવરાજ પટેલને રૂ. ૩ લાખની સહાય તેમજ એથલેટિક્સ શ્રદ્ધા કથેરીયાને રૂ. ૩.૫૦ લાખની સહાય પ્રાપ્ત થઈ છે. ખેલે ગુજરાત – ખેલ મહાકુંભના પ્રતિભાવાન ખેલાડીઓને ખેલે ગુજરાત સમર કેમ્પમાં નિ:શુલ્ક સઘન તાલીમ પુરી પાડવામાં આવે છે.
ખેલે ઇન્ડિયા – ખેલે ગુજરાતના પ્રથમ ત્રણ ખેલાડીઓ નેશનલ કક્ષાએ રમે છે તેમાંથી ટોચના ખેલાડીઓ પસંદગી પામી નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે તાલીમ મેળવે છે. ગુજરાતમાં નડિયાદ ખાતે જુડો અને ભાવનગર ખાતે ટેબલ ટેનિસની નેશનલ એકેડમી ઉપલબ્ધ છે. ગીરસોમનાથના ભાલપરાની અલ્પાએ વર્ષ ૨૦૧૪ માં રાજકોટ ડી.એલ.એસ.એસ. માં એડમિશન મેળવ્યું. ૨૦૧૪ માં સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, દિલ્હી ખાતે સિલ્વર મેડલ મેળવ્યો. ૨૦૧૭ માં વર્લ્ડ સ્કૂલ ગેમ્સ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. પોલો ઇન્ડિયા નેશનલ ગેમ્સમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો. ૨૦૧૮ મા ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી, ચંદીગઢ ખાતે સિલ્વર મેળવ્યો તેમજ જલંધર ખાતે જુનિયર જુડો સ્પર્ધામાં સિલ્વર મેળવ્યો. આગામી સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડ ખાતે કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ગીરસોમનાથના ભાલપરા ગામની અર્ચનાની વર્ષ ૨૦૧૫ માં રાજકોટ ડી.એલ.એલ.એસ માં પસંદગી થઈ. અહીં તેને સઘન ટ્રેનિંગ આપવામાં આવી. તેણીએ ૨૦૧૭ માં પટના ખાતે સબ જુનિયર નેશનલમાં બ્રોન્ઝ, સ્કૂલ ગેમ્સ તેલંગણા માં બ્રોન્ઝ તેમજ ખેલો ઇન્ડિયામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૨૦૧૮ માં સબ જુનિયર નેશનલમાં ગોલ્ડ, સ્કૂલ સ્પર્ધામાં સિલ્વર તેમજ કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ મેળવ્યો હતો. આગામી સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડ ખાતે કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.