યુનિર્વસિટી રોડ પર ફાયરિંગ અને યુવતી સાથે નશો કરેલી હાલતમાં મળી આવેલા કમલેશ રામાણીનો વિવાદ સર્જાયો
સાધુવાસવાણી રોડ પર આવેલા પ્લેટીનીયમ હાઇર્ટમાં રહેતા રંગીન મિજાજી કમલેશ રામાણી સામે તાજેતરમાં જ ફાયરિંગ અને નશો કરવા અંગેના ગુના નોંધાતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસા હેઠળ જેલ હવાલે કરવા વોરન્ટ ઇસ્યુ કરતા તેને તાલુકા પોલીસે વડોદરા જેલ હવાલે કર્યો છે.
કમલેશ રામાણી સામે ૧૯૯૮થી અત્યાર સુધીમાં બળાત્કાર, બળજબરીથી લખાણ કરાવવા, હથિયાર સાથે મકાનમાં ઘુસી ધાક ધમકી દેવા, બોગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરવો અને ફાયરિંગ તેમજ દા પીવા અંગેના ૧૯ જેટલા ગુના નોંધાયા છે. તાજેતરમાં જ તેના ડ્રાઇવરને સમાધાન માટે યુનિર્વસિટી રોડ પર બોલાવી તેના પર ફાયરિંગ કર્યાનું અને ગઇકાલે નશો કરેલી હાલતમાં યુવતી સાથે પકડાતા તેની પાસા હેઠળ અટકાયત કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરન્ટ ઇસ્યુ કર્યુ હતું.
પાસાના વોરન્ટની તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ.વણઝારા,પી.એસ.આઇ. એમ.ડી.ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, અરજણભાઇ ઓડેદરા અને નગીનભાઇ ડાંગર સહિતના સ્ટાફે પાસાના વોરન્ટની બજવણી કરી કમલેશ રામાણીને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો છે.