રાજકોટ સ્વચ્છ-સુઘડ રહે તે માટે અધિકારીશ્રીઓને અપાઈ વિવિધ સૂચના : જાગૃતિ દાખવવા નાગરિકોને પણ ખાસ વિનંતી કરાઈ
સ્વચ્છતા અંગે વિવિધ બાબતોની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત તા.૩૦-૧-૨૦૧૮ સુધીમાં રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુને “સ્વચ્છ રાજકોટ”ની સુંદર ભેટ આપવા કમર કસી લેવામાં આવી છે. સ્વચ્છતા અંગે મહાનગરપાલિકા દ્વારા થઇ રહેલી વિવિધ પ્રકારની કામગીરીઓની વખતોવખત સમીક્ષા થાય છે અને આવશ્યકતા અનુસાર મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવામાં આવી રહયું છે. આ સિલસિલા હેઠળ આજે તા. ૮-૧-૨૦૧૮ ના રોજ મ્યુનિ. કમિશનરના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની એક ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં કમિશનરએ સ્વચ્છતા સંદર્ભમાં થઇ રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી અને હવે પછી હાથ ધરવાની થતી કામગીરી અંગે કેટલીક સૂચનાઓ પણ આપી હતી.
આ મિટિંગમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ કહ્યું હતું કે, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ રાજકોટ શહેર નિયમિતરીતે સ્વચ્છ બની રહે તે માટે પોતાની ફરજો બજાવે છે. જોકે એક હાથે ક્યારેય તાલી પડી શકે નહી તેવી જ રીતે મહાનગરપાલિકાની આ ઝુંબેશમાં નાગરિકો પણ સ્વૈચ્છિકરીતે જ પોતાની ફરજો પ્રત્યે સભાન અને જાગૃત રહી પોતપોતાનું યોગદાન આપતા થાય ત્યારે સ્વચ્છ રાજકોટ મિશન ખરા અર્થમાં રંગ લાવશે.
દરમ્યાન જાહેરમાં કચરો ફેંકી આપણા સ્વચ્છ શહેરને ગંદુ કરી રહેલા લોકો તેમની આવી પ્રવૃત્તિ બંધ કરે તે પણ એટલું જ જરૂરી છે. જોકે જાહેરમાં કચરો ફેંકવાનું બંધ નહી જ કરતા નાગરિકો સામે આકરા પગલાં લેવા પણ કમિશનરએ અધિકારીઓને સૂચના આપી છે. મહાનગરપાલિકાની તમામ શાખાઓના વડાઓ, વોર્ડ ઓફિસરો સહિતનાને કમિશનરશ્રીએ સત્તા આપી છે અને તેઓ પોતાની આ સત્તા હેઠળ, જાહેરમાં કચરો ફેંકતા લોકોને દંડ કરશે.
કમિશનરએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, સ્વચ્છતા અંગે મહાનગરપાલિકાની કામગીરી અંગે નાગરિકો તરફથી મળી રહેલી ફીડબેક અનુસાર ગંભીરતાપૂર્વક આવશ્યક પગલાઓ લેવા અધિકારીઓ અને કર્મચારીને સૂચના આપવામાં આવી છે. વધુ ને વધુ નાગરિકો સ્વચ્છતા એપ પર સતસવીર પોતાની ફરિયાદ નોંધાવે અને તેના નિકાલ અંગે પોતાનો ફીડબેક અચૂક આપે તેવું વહીવટી તંત્ર ઈચ્છે છે.
કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં નાગરિકો હવે જાહેરમાં કચરો ફેંકતા બંધ થાય તે માટે જુદાજુદા વિસ્તારમાં રહેલા ૩૧ જેટલા ન્યુસન્સ પોઈન્ટસ પર સફાઈ કામદાર અને પોલીસ ગાર્ડને તૈનાત કરી આવશ્યક પગલાઓ લેવા પર ભાર મુક્યો હતો. જે લોકો ના સમજે તેઓને દંડ પણ કરવામાં આવનાર છે.
શહેરમાં હાલ બની રહેલી નવી ઈમારતોના સ્થળોએ ત્યાં કાંકરી રહેલા લોકો માટે ટોઇલેટ, પાણી ઇત્યાદિ સુવિધાઓ અચૂક રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરો – ડેવલપરોને સૂચના આપવામાં આવેલી છે, આમછતાં મહાનગરપાલિકાના અધિકારીઓ વખતોવખત કન્સ્ટ્રકશન સાઈટ્સ પર ચેકિંગ કરતા રહેશે.
વિશેષમાં શહેરના રહેણાંક, કોમર્શીયલ અને ટુરીસ્ટ પોઈન્ટસ પર સ્વચ્છતાના ધોરણો જળવાઈ રહે તે માટે નાગરિકોને જાગૃતિ દાખવવા અપીલ કરવાની સાથોસાથ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને પણ સ્વચ્છતાની કામગીરીનું નિયમિત ચેકિંગ અને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપી હતી.