દેશમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટના વધી રહી છે. અકસ્માતના કારણે દર વર્ષે હજારો લોકો જીવ પણ ગુમાવે છે. ત્યારે રાજ્યમાં ઠેરઠેર માર્ગ સલામતી માસ-૨૦૨૫નું આયોજન કરીને વાહનચાલકોમાં જાગૃતિ આવે તે વિવિધ સેમીનાર, રોડ શો જેવા અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત મહીસાગરની એ.આર.ટી.ઓ. શાખા દ્વારા રોડ સેફ્ટી માસ અંતર્ગત ટ્રાફિક નિયમોનું મહ્ત્વ લોકો સુધી પહોંચાડી તેમને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. જેથી ભવિષ્યમાં અકસ્માતની ઘટનાઓને અટકાવી શકાય અને લોકોનો જીવ બચી શકે.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નેશનલ માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અંતર્ગત નવતર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત ARTO કચેરી દ્વારા વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓને વીડિયો અને પ્રેઝન્ટેશન દ્વારા માર્ગ સલામતી અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખાનપુર તાલુકાના બાકોર ગામમાં ARTO કચેરી દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં રંગલાના પાત્રો દ્વારા રમૂજી અંદાજમાં લોકોને માર્ગ સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો.
કાર્યક્રમ દરમિયાન વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ બાબતો, ટ્રાફિક નિયમોનું પાલન અને માર્ગ સલામતીના નિયમો વિશે રમૂજી અંદાજમાં માહિતી આપવામાં આવી. આ ઉપરાંત, ઉપસ્થિત લોકોને માર્ગ સલામતી અંગેના પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું. આ નવતર પહેલથી લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધશે અને અકસ્માતોને રોકવામાં મદદ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.