ખાનગી ક્ષેત્રે કાર્યરત આશરે 48 જેટલા પેન્શનરોને ઓર્ડર વિતરણ
“આઝાદીકા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગ રૂપે રાજયસરકાર ના રોજગાર મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કાર્યાન્વિત બનાવાયેલી પ્રયાસ યોજના અંતર્ગત આજરોજ રાજકોટ પ્રોવિડન્ટ ફંડ ઓફિસ દ્વારા પ્રયાસ સે વિશ્વાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ખાનગી ક્ષેત્રમાં કાર્યરત 48 જેટલા કામદારો કે જેઓ, આજ રોજ નિવૃત થતા હોય, તેઓને નિવૃત્તિના દિવસે જ રૂબરૂ પેન્શન પેમેન્ટ ઓર્ડર હાથોહાથ આપવામાં આવ્યા હતા.
આ તકે રાજકોટ પ્રોવિડન્ટ ફંડ ઓફિસના રીજીયોનલ કમિશ્નર જયંતકુમાર પાંડે, યુ.આર.માંકડ, રીજીયોનલ કમિટિ મેમ્બર, ગુજરાત દ્વારા પેન્શનરોને પેન્શન પેમેન્ટ ઓર્ડર સુપ્રત કરવામાં આવ્યા હતા. અને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.
સાથોસાથ આ પ્રસંગે “હર ઘર તિરંગા” કાર્યક્રમ પણ ઉજવવામાં આવ્યો હતો. નિવૃત્તિના દિવસે જ રૂબરૂ પેન્શન પેમેન્ટ ઓર્ડર મેળવી પેન્શનરોએ તંત્ર પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. રાજકોટના રિજીયોનલ કમિશ્નરશ્રી જયંતકુમાર પાંડેએ ઉપસ્થિત તમામ લોકોને સંબોધતા પ્રોવિડન્ટ ફંડ વિશેની જાણકારી આપી હતી.