આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જોગાનુજોગ સોમવાર પણ હોય ભાવિકોની આસ્થા બેવડાઈ છે. આજથી જેમની મહિમાનો મહિનો શરૂ થયો તે ભગવાન ભોળાનાથે સમુદ્રમંથનમાંથી જે વિષ નીકળ્યું હતું તેને ગટગટાવી લીધું હતું. જેથી જ તેઓ નીલકંઠ પણ કહેવાયા છે. આજના સમયમાં આ વિષ એટલે દુનિયાનું દુ:ખ, જેને ભગવાન ભોળાનાથ ઘોળીને પી જાય છે.
હવે વાત વૈશ્વિક કક્ષાની કરીએ તો વિશ્વમાં મોટાભાગના દેશોને એકબીજા સાથે વાંધા ચાલુ જ છે. આવામાં વિશ્વભરના દેશો દરિયામાં પોતાનું આધિપત્ય જમાવવાની રેસમાં લાગી ગયા છે. જે બીજા દેશના વિકાસમાં રોડા નાખી રહ્યું છે. દરેક દેશ દરિયાને પોતાનો સમજવા મંડ્યા છે. જેને લઈને લડાઈઓ પણ શરૂ થઈ છે. તેવામાં આ સમસ્યા રૂપી ઝેર ગટગટાવવાની તૈયારી સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમુદ્ર મંથન કરવાના છે.
ભારતએ વસુધૈવ કુટુંબકમમાં માનનારો દેશ છે. ઉપરાંત સમગ્ર વિશ્વ પણ આ સૂત્રને અપનાવે તેવું ભારત ઇચ્છી રહ્યો છે. એક તરફ ફંફાળા મારતો ડ્રેગન, બીજી તરફ આતંકવાદ પેદા કરનાર પાકિસ્તાન અને ત્રીજી તરફ સમગ્ર વિશ્વ પોતાના કહ્યામાં રહે તેવી વિચારસરણી ધરાવતું અમેરિકા, આ તમામ પ્રશ્નો વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકની અધ્યક્ષતા કરવાના છે. તેઓ સહકારથી સાગરનો સંદેશો પ્રસરાવવાના છે. જેમાં તેઓ તમામ દેશોને અપીલ કરશે કે એક બિજાના વિકાસ માટે સમૃદ્ધિ માટે દરિયાના દરવાજા બંધ કરવા ન જોઈએ.
જોગાનુજોગ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સમુદ્ર મંથન કરવા જેવી જ વાત છે. સામે આજથી જ શ્રાવણ માસનો પ્રારંભ પણ થયો છે. ઉપરથી સોમવાર પણ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમુદ્ર મંથન દેશવાસીઓ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે મહત્વરૂપ બની રહે તેવી આશા.