- એર ગન રાખી પોલીસનો સ્વાંગ રચીને કેસ પતાવટ કરવાની વાતો કરતો
પ્રાપ્ત માહિતી મુજબ, સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં એક અરજી કરાઈ હતી. જેમાં સાહીલ મુલીયાનાં નામનો શખ્સ સાયબર ક્રાઈમનો ‘અંડર કવર’ ઓફિસરનો સ્વાંગ રચી ફરતો હોવાનું જણાવાયુ હતું. આથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી અરજદાર સહિતના લોકોના નિવેદનો નોંધતા તેઓએ સાહિલ સાયબર ક્રાઈમનો ‘અંડર કવર’ ઓફિસર હોવાનું જણાવી લોકો સાથે કામ ‘પતાવટ’ કરી આપે છે તેમ જણાવ્યુ હતું.
આથી સાયબર ક્રાઈમ પોલીસે સાહિલ અમીતભાઈ મુલીયાણા (ઉ.વ.૧૯ રહે. વામ્બે આવાસ કવાર્ટ૨, કાલાવડ રોડ)ને રૂબરૂ બોલાવી અંગઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સામાંથી એક આઈકાર્ડ મળી આવ્યુ હતું. જે બાબતે પોલીસે પૂછપરછ કરતા પોતે આઈકાર્ડમાં દર્શાવેલો કોઈ હોદ્દો ધરાવતો નહીં હોવાનું અને તે આઈકાર્ડ બતાવી સાયબર ક્રાઈમનાં અંડર કવર ઓફિસરની ખોટી ઓળખ આપી લોકો સાથે ‘પતાવટ’ કરતો હોવાનું જણાવતા સાયબર ક્રાઈમ પી.આઈ. કે. જે. મકવાણા સહિતના સ્ટાફે તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને પોલીસને તેની પાસેથી એક એરગન પણ મળી આવી હતી જ્યારે તેની પૂછપરછ કરતા તે કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યુ છે.