સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધાની આજે જાહેરાત થતા ટોપ ૧૦૦ શહેરોની યાદીમાં સુરત શહેર ૧૪ માં ક્રમે ધકેલાયુ હતુ. જયારે અમદાવાદ દેશમાં ૧૨માં ક્રમે અને રાજયમાં અવ્વલ નંબરનું સ્થાન મેળવ્યુ છે.
સ્વચ્છ ભારત મિશન હેઠળ કેન્દ્વ સરકાર દ્વારા ૧ થી ૧૦ લાખ અને ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોને આવરી લઇને સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધા હાથ ધરી હતી. આ સ્પર્ધામાં ૧૦ લાખ સુધી વસ્તીવાળા ૪૮૫ શહેરો અને ૧૦ લાખથી વધુ વસ્તીવાળા ૭૫ શહેરોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધા દરમ્યાન કેન્દ્ર સરકારની ટીમો દ્વારા સર્વેક્ષણ હાથ ધરાયુ હતુ. આ સર્વેક્ષણ દરમ્યાન સ્વચ્છ શહેરોની પસંદગી માટે અલગ અલગ ત્રણ કેટેગરી નક્કી કરી હતી. અને ૪૦૦૦ માર્કસ નક્કી કર્યા હતા.
આજે કેન્દ્વ સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણના ટોપ ૧૦૦ શહેરોની યાદી જાહેર કરાઇ હતી. જેમાં ગુજરાતના સાત શહેરોને સ્થાન મળ્યુ છે. જેમાં અમદાવાદ ૧૨ માં ક્રમ સાથે રાજયમાં પ્રથમ આવ્યુ છે. સુરત શહેર ૧૪ માં ક્રમ સાથે રાજયમાં બીજા નંબરનું સ્થાન મળ્યુ છે. આ ઉપરાંત ગાંધીનગર ૨૬ માં ક્રમે અને રાજયમાં ત્રીજા ક્રમ મેળવ્યો છે.
આ યાદીમાં સુરતને ૧૪૦૦ માંથી ૯૪૧ માર્કસ મળવાની સાથે ૧૪ માં ક્રમે ધકેલાયુ હતુ. જયારે સ્થળ સમીક્ષાના નક્કી કરેલા ૧૨૦૦ માંથી ૧૧૯૩ અને નાગરિક પ્રતિભાવના ૧૪૦૦ માંથી ૧૧૮૫ માર્કસ મળ્યા હતા. ગત ૨૦૧૭માં સુરતને ચોથો ક્રમ મળ્યો હતો. આ વર્ષે ૧૪ મો ક્રમ મળ્યો છે. આમ સુરત પાછળ ધકેલાઇ જવા પાછળનુ મુખ્ય કારણ અન્ય શહેરો કરતા દસ્તાવેજી કરણમાં સૌથી ઓછા ગુણો મળતા શહેરને ફટકો પડયો છે.