હોસ્પિટલ ચોકમાં બ્રીજની ડિઝાઈન ફાઈનલ કરતા પહેલા ટ્રાફિકનો સર્વે કરવા સુચના: ત્રણેય બ્રીજનું પ્રેઝન્ટેશન નિહાળતા મેયર સહિતના પદાધિકારીઓ
શહેરમાં વિકરાળ બની ગયેલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ રાજમાર્ગો પર બ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. હાલ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ રૈયા ચોકડી અને મવડી ચોકડી ખાતે ઓવરબ્રીજનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન શહેરના સિવિલ હોસ્પિટલ ચોક, કેકેવી ચોક અને રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે બનાવવામાં આવનાર બ્રીજ અંગે આજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય સહિતના પદાધિકારીઓએ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. આમપ્રાલી ફાટકે અને કેકેવી સર્કલ ખાતે અંડરબ્રીજ બનાવવાનું ફાઈનલ કરવામાં આવ્યું છે. જયારે સિવિલ હોસ્પિટલ ચોકમાં બ્રીજનું ડિઝાઈન ફાઈનલ કરતા પૂર્વે ટ્રાફિક અંગેનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ટ્રાફિકની સમસ્યા હલ કરવા આગામી દિવસોમાં મહાપાલિકા દ્વારા શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક રેલવે ફાટક પાસે, કાલાવડ રોડ પર કેકેવી સર્કલ ખાતે અને સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બ્રીજ બનાવવામાં આવનાર છે. આજે ત્રણેય બ્રીજ માટે પ્રેઝન્ટેશન નિહાળવામાં આવ્યું હતું. દરમિયાન આમ્રપાલી ફાટક અને કેકેવી ચોક ખાતે અંડરબ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટુંક સમયમાં આ માટે ટેન્ડર પણ પ્રસિઘ્ધ કરી દેવામાં આવશે. બંને જગ્યાએ બ્રીજના નિર્માણ માટે એક પણ મિલકત કપાતમાં લેવાની જરીયાત ઉભી થાય તેવું હાલ લાગતું નથી.
કેકેવી ચોક ખાતે એવા પ્રકારનો અંડરબ્રીજ બનાવવામાં આવશે કે કાલાવડ રોડથી ૧૫૦ ફુટ રીંગ રોડની જમણી બાજુ જવા વાળા વાહન ચાલકોએ કે કાલાવડ રોડથી રાજકોટ તરફ આવતા વાહનોને ગોંડલ ચોકડી તરફ જવું હોય તો બ્રીજની અંડરથી પસાર થવું નહીં પડે. ટુંકમાં હયાત સર્કલ યથાવત રાખવામાં આવશે અને નીચેથી બ્રીજ કાઢવામાં આવશે. કેકેવી સર્કલ અને આમ્રપાલી ફાટક પાસે અંડરબ્રીજ બનાવવાનું લગભગ ફાઈનલ કરી દેવામાં આવ્યું છે. આ માટે ટુંક સમયમાં જ ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બ્રીજ બનાવવા માટે રાજય સરકાર દ્વારા પણ કરોડો પિયાની ફાળવણી કરવામાં આવી છે. હોસ્પિટલ ચોકમાં આવેલી અદાલતનું ટુંક સમયમાં રૈયા ખાતે સ્થળાંતર કરવામાં આવનાર છે ત્યારે અહીં બ્રીજનું ડિઝાઈન ફાઈનલ કરતા પહેલા એક વખત ટ્રાફિક અંગે સર્વે હાથ ધરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,