- બડે મિયા સો બડે મિયા… છોટે મિયા સુભાનાલ્હા
- મુશિર ખાને સદી ફટકારી 2 વિકેટ ઝડપી : 2 ફેબ્રુઆરીએ નેપાળ સામે ઓપચારીક સુપરસિકસ મેચ
અંડર 19 વિશ્વકપના સુપરસિકસ મુકાબલાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે આ અભિયાનમાં ભારતનો પ્રથમ મેચ ન્યુઝીલેન્ડ સામે રમાયો હતો. જેમાં ટીમે કિવિઝને 214 રને મહાત આપી હતી. અને સેમિફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 295 રન બનાવ્યા હતા. કહેવાતા છોટે મિયા મુશીર ખાને 131 રનની ઇનિંગ રમી હતી. જ્યારે આદર્શ સિંહે 52 રન બનાવ્યા હતા. જવાબમાં કિવી ટીમ 28.1 ઓવરમાં 81 રનમાં સમેટાઈ ગઈ હતી.
ઉદય સહારનની કપ્તાની હેઠળની ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા આઇસીસી અંડર-19 વર્લ્ડ કપ 2024માં સતત સારું પ્રદર્શન કરી રહી છે. ગ્રુપ સ્ટેજની ત્રણેય મેચોમાં આસાન જીત નોંધાવ્યા બાદ જુનિયર ટીમ ઈન્ડિયાએ સુપર સિક્સની પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના ‘છોટે મિયાં’ મુશીર ખાનની શાનદાર સદી અને સૌમ્યા પાંડેની ઘાતક બોલિંગના આધારે ભારતે કીવી ટીમને 214 રને પરાજય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડ ભારતીય ટીમ સામે 100 રન પણ બનાવી શક્યું ન હતું.
બ્લૂમફોન્ટેનમાં ગ્રુપ સ્ટેજની ત્રણેય મેચો જીત્યા બાદ, ટીમ ઈન્ડિયાએ 30 જાન્યુઆરી મંગળવારના રોજ આ જ મેદાન પર સુપર-સિક્સ રાઉન્ડની તેની પ્રથમ મેચ રમી હતી. ગ્રુપ સ્ટેજમાં તેનો મુકાબલો બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ અને યુએસએ સામે થયો હતો, પરંતુ સુપર-સિક્સમાં તેની પ્રથમ ટક્કર ન્યુઝીલેન્ડ સાથે હતી. કઠિન સ્પર્ધાની અપેક્ષા હતી પરંતુ તેમ થયું નહીં. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 295 રન બનાવ્યા હતા. ફરી એકવાર ટોપ ઓર્ડરે રન બનાવવાની સમગ્ર જવાબદારી લીધી. સ્કોટલેન્ડ સામે સદી ફટકારનાર યુવા બેટ્સમેન મુશીર ખાને વધુ એક સદી ફટકારી છે. બે દિવસ પહેલા સિનિયર ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવનાર સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીરે 126 બોલમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 131 રન બનાવ્યા હતા.મુશીર ખાનનો મોટો ભાઈ સરફરાઝ હાલ ભારતીય ટીમ સાથે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે જોડાયો છે.